Lok Sabha Elections Live: ક્ષત્રિય સમાજના વિરોધના કારણે રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સભા રદ્દ

Lok Sabha Elections: ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો મુદ્દો પણ મોટો બન્યો છે

gujarati.abplive.com Last Updated: 27 Apr 2024 07:14 PM
ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કોગ્રેસને પનોતી ગણાવી હતી

ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે કોગ્રેસને પનોતી ગણાવી હતી. તેમણે કહ્યુ કે કોંગ્રેસના શાસનમાં ગુજરાતમાં અનેક દુષ્કાળ પડ્યા છે. પાટણના ભાટસણ ગામે ભાજપની યોજાયેલી સભામાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે 70 વર્ષ કોંગ્રેસે આ દેશ અને ગુજરાતને લૂંટવાનું કામ કર્યું છે. કોંગ્રેસના શાસનમાં એક વર્ષમાં બે બે વાર રોડ બને પણ કાગળ પર, સ્થળ પર જોવા જાઓ તો રોડ હોય જ નહીં. કોંગ્રેસ ગરીબોનું અનાજ પણ ખાઈ જતા હતા.

રૂપાલાની ફરી વિનંતી બાદ પણ રાજપૂત સમાજમાં આક્રોશ છે

રૂપાલાની ફરી વિનંતી બાદ પણ રાજપૂત સમાજમાં આક્રોશ છે. કરણસિંહે કહ્યુ કે રૂપાલા સામેથી ખસી ગયા હોત તો આ સ્થિતિ ન હોત. રૂપાલા મલમ લગાવવા માટે આ બધું બોલે છે. રૂપાલાએ દિલથી માફી માંગી હોય તેવું લાગતુ નથી. સમગ્ર ગુજરાતના 12 થી વધુ જિલ્લામાં ધર્મરથ ફરી ગયો છે. ધર્મરથના માધ્યમથી અમે લોકો સુધી અમારી વાત પહોંચાડી રહ્યા છીએ.

રામ મંદિર માટે ગોધરાના સ્ટેશન પર 60 કાર સેવકોએ બલિદાન આપ્યુ હતું.

ગોધરામાં કેન્દ્રિયમંત્રી અમિત શાહે ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે લાંબા સમય બાદ ગોધરા આવ્યો છું. રામ મંદિર માટે ગોધરાના સ્ટેશન પર 60 કાર સેવકોએ બલિદાન આપ્યુ હતું. નરેંદ્રભાઈને જીતાડવાથી દેશ દુનિયામાં ત્રીજા નંબરની ઈકોનોમી બનશે. 10 વર્ષમાં નરેંદ્રભાઈએ અનેક વિકાસના કામો કર્યા છે. અયોધ્યામાં રામ મંદિર બનાવ્યું. કોંગ્રેસે રામ મંદિરનું આમંત્રણ પણ ન સ્વીકાર્યું. ચોક્કસ વોટ બેંક નારાજ ન થાય એટલે કોંગ્રેસે આમંત્રણ સ્વીકાર્યું નહોતુ.


શાહે કહ્યુ કે કોંગ્રેસ OBC વિરોધી પાર્ટી છે. ગરીબો માટે મોદી સરકારે અનેક કામો કર્યા છે. કોંગ્રેસ હંમેશા જુઠ્ઠાણા ફેલાવે છે. UCCથી આદિવાસી ભાઈઓના કોઈ કાયદાને અસર નહીં થાય.


 

કચ્છના માંડવી તાલુકા પંચાયતના ભાજપના સભ્યનું રાજીનામું

કચ્છના માંડવી તાલુકા પંચાયતના ભાજપના સભ્યએ રાજીનામું આપ્યું હતું. રૂપાલાના નિવેદનના વિરોધમાં ભૂપેંદ્રસિંહ જાડેજાનું રાજીનામું આપ્યું હતું. ગુંદિયાળી બેઠકના સદસ્ય ભૂપેંદ્રસિંહ જાડેજાએ કહ્યું કે સમાજના હિત માટે  રાજીનામું આપ્યું છે.

રાજકોટમાં રૂપાલાની સભા રદ્દ કરવામાં આવી હતી

રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની સભા રદ્દ કરવામાં આવી હતી. ક્ષત્રિય સમાજના વિરોધના કારણે રૂપાલાની સભા રદ્દ કરાઇ હતી. વિરોધના કારણે પુષ્કરધામ રોડ પર યોજાનારી રૂપાલાની સભા રદ્દ કરાઇ હતી.

દુષ્યંત ચૌહાણ સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા

પંચમહાલ જિલ્લા કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું હતું. દુષ્યંત ચૌહાણ સહિતના કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા હતા. દરમિયાન જેઠા ભરવાડ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં PM ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે

લોકસભાની ચૂંટણીમાં PM ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે. 1 મેએ સાબરકાંઠામાં PM મોદી જાહેર સભા સંબોધશે. સાબરડેરી-તલોદ હાઈવે પર જાહેરસભા યોજાશે. સભા સ્થળ પર હેલિપેડ અને સમારકામની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચાર હેલિપેડ અને વિશાળ ડોમ બનાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.

ક્ષત્રિય સમાજના આંદોલન પર સંજયસિંહે પ્રતિક્રિયા આપી હતી

ક્ષત્રિય સમાજના આંદોલન પર સંજયસિંહે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે રૂપાલાએ કરેલ નિવેદન ક્ષત્રિય સમાજનું અપમાન છે. ભાજપે રૂપાલાની ઉમેદવારી પરત ખેંચી લેવી જોઈએ. જેલનો જવાબ મતથી આપો તેવી વિનંતી છે. તાનાશાહીથી દેશ ચાલશે નહીં. સુરત તો માત્ર શરૂઆત છે. ભાજપ સમગ્ર દેશમાં ચૂંટણી ખતમ કરી દેશે. વોટની શક્તિને ભાજપ ખતમ કરી દેશે. ઈન્ડિયા ગઠબંધન 300થી વધુ બેઠક જીતશે.

પંચમહાલના ગોધરા ખાતે આવતીકાલે અમિત શાહની જાહેર સભા સંબોધશે

પંચમહાલના ગોધરા ખાતે આવતીકાલે અમિત શાહની જાહેર સભા સંબોધશે. શાહની જાહેર સભામાં કોંગ્રેસના 70થી વધુ અગ્રણીઓ સહિત કાર્યકરો ભાજપમાં જોડાશે. ગોધરા અને શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ અને રસમિતાબેન ચૌહાણ સહિત કોંગ્રેસના વિવિધ હોદ્દાઓ ધરાવતા કાર્યકરો ભાજપમાં જોડાશે.

વલસાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી પ્રચંડ પ્રચાર કરશે

વલસાડ લોકસભા બેઠક પર પ્રિયંકા ગાંધી પ્રચંડ પ્રચાર કરશે. ધરમપુરમાં પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે.કૉંગ્રેસ ઉમેદવાર અનંત પટેલના સમર્થનમાં પ્રિયંકા ગાંધી જનસભા સંબોધશે. પ્રિયંકા ગાંધીની જનસભાને લઈને કૉંગ્રેસના કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે. વલસાડ બેઠક પર અનંત પટેલ સામે ભાજપના ધવલ પટેલની ટક્કર છે. વલસાડ બેઠક પર કુલ સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 18 લાખ 59 હજાર 974 મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.


કૉંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક,પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહેશે. વલસાડ બેઠક પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. જે પક્ષ વલસાડ બેઠક જીતે તેની સરકાર બને છે. ભાજપે સાંસદની ટિકિટ કાપી ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. કૉંગ્રેસે ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. અગાઉ કૉંગ્રેસ તરફથી કિશન પટેલ વલસાડના સાંસદ રહી ચૂક્યા છે.


 


 


 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ત્રણ લોકસભા બેઠક પર ચૂંટણી સભા સંબોધશે. પોરબંદર, ભરૂચ,પંચમહાલ લોકસભા બેઠક પર શાહ ચૂંટણી સભા સંબોધશે. વડોદરામાં સાંજે અમિત શાહનો મેગા રોડ શો યોજાશે. પોરબંદર લોકસભા ક્ષેત્ર જામકંડોરણામાં જનસભાની તૈયારી થઇ રહી છે. વિજય સંકલ્પ સભામાં અમિત શાહ સંબોધન કરશે. પોરબંદર લોકસભા ઉમેદવાર મનસુખ માંડવિયાના સમર્થનમાં સંબોધન કરશે. ધારાસભ્ય જયેશ રાદડીયાએ જનસભાની તૈયારીઓ પૂર્ણ કરી છે. સૌરાષ્ટ્રના ભાજપના ખેડૂત નેતા, સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે. ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા ઉપસ્થિત રહેશે.

બ્રેકગ્રાઉન્ડ

Lok Sabha Elections:  રાજ્યમાં લોકસભાની ચૂંટણી ચરમ પર પહોંચી છે, આગામી સાત મે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર મતદાન યોજાવવાનું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસની સાથે સાથે ચૂંટણીમાં ક્ષત્રિય સમાજનો મુદ્દો પણ મોટો બન્યો છે. રાજ્યમાં ક્ષત્રિય સમાજ ધર્મરથ કાઢીને રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાને હરાવવા મેદાનમાં પડ્યા છે, ખાસ વાત છે કે, રૂપાલાની ક્ષત્રિય સમાજની બહેનો પરની ટિપ્પણીને લઇને સમગ્ર રાજ્યમાં ક્ષત્રિય સમાજ ભાજપની વિરૂદ્ધ મતદાન કરાવવા પર અડગ બન્યો છે. હવે આ બધાની વચ્ચે ફરી એકવાર ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગી છે.


રાજ્યમાં પરશોત્તમ રૂપાલાનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. ક્ષત્રિય સમાજે હવે ધર્મરથ કાઢીને ભાજપને હરાવવા અને મોટી સંખ્યામાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા અપીલ કરી છે. આ ધર્મરથ રાજ્યમાં ઠેર ઠેર ફરી રહ્યો છે. ધર્મરથથી ક્ષત્રિયો ફરી એકવાર એકઠા થઇ રહ્યાં છે અને ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા માટે સંકલ્પ લઇ રહ્યાં છે. આ બધાની વચ્ચે હવે ભાજપ નેતા પરશોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી છે. અગાઉ પણ ત્રણ વાર ક્ષત્રિય સમાજની માફી માંગી ચૂક્યા છે. તાજેતરમાં જ ક્ષત્રિયો મુદ્દે કરેલી ટિપ્પણીને રૂપાલાએ પોતાની મોટી ભૂલ માની છે, અને પોતાને માફ કરી દેવા ક્ષત્રિયોને અપીલ કરી છે. પોતાની ભૂલની સજા પક્ષને ના આપવા પણ વિનંતી કરી છે. રૂપાલાએ માફી માગવાની સાથે વડાપ્રધાનના કાર્યો, ભાજપ સાથે ક્ષત્રિયોના સંબંધને યાદ કર્યા હતા.


રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ પર પહેલીવાર બોલ્યા અમિત શાહ, કહ્યું -'ત્રણવાર માફી માંગી લીધી છે ને હવે.......'


લોકસભા ચૂંટણી વચ્ચે ક્ષત્રિય સમાજ- ઠાકુર સમાજની ભાજપ પ્રત્યે નારાજગી કોઈનાથી છુપી નથી. ઘણા રાજકીય નિષ્ણાતો કહી રહ્યા છે કે ગુજરાતમાંથી શરૂ થયેલી આ અટકળો હવે મધ્યપ્રદેશ અને પશ્ચિમ યુપીમાં ભાજપને નુકસાન પહોંચાડી શકે છે. જાણકારોનું કહેવું છે કે તેની અસર પ્રથમ તબક્કાની ચૂંટણીમાં જોવા મળી છે. પશ્ચિમ યુપીની સીટો પર ધનંજયસિંહની ચૂંટણી લડવાની વાત હોય કે જૌનપુરની, જ્યાં યુપીમાં ઠાકુર સમુદાયના વિરોધની વાત છે. હવે ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવાનું શરૂ કર્યું છે. નારાજગીના આ અહેવાલો વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતાઓએ ચાર્જ સંભાળી લીધો છે. દરમિયાન આજતક સાથેના ઈન્ટરવ્યૂ દરમિયાન અમિત શાહને આ સવાલ પૂછવામાં આવ્યો હતો.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.