Mamata Banerjee on 2024 Seat Sharing Formula: આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજકીય સોગઠી મારી છે. આજે મમતાએ જાણે કોંગ્રેસની નેતાગીરી સ્વિકારી લીધી હોય તેવી મોટી જાહેરાત કરી છે. મમતાએ કહ્યું હતું કે, દેશમાં જ્યાં પણ કોંગ્રેસ મજબૂત હશે, અમે તેમને ત્યાં સમર્થન આપીશું. સાથે જ તેમણે 2024માં કોંગ્રેસને કેટલી સીટો આપશે તેને લઈને પણ સંકેત આપી દીધા છે.
આ દરમિયાન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું હતું કે, જો હું કર્ણાટકમાં તમને સમર્થન આપું છું, પરંતુ તમે બંગાળમાં મારી વિરુદ્ધ લડો તે અયોગ્ય છે. આ પ્રકારની નીતિ ન રાખવી જોઈએ.
મમતા બેનર્જીએ કહ્યું હતું કે, અમે બેઠકોની સ્થિતિને લઈને ગણતરી કરી છે. તે પ્રમાણે કોંગ્રેસ પોતાની 200 સીટો પર મજબૂત છે, ત્યાં કોંગ્રેસને જ ચૂંટણી લડવા દેવામાં આવે. આ બેઠકો પર અમે તેમને સમર્થન આપીશું. પરંતુ કોંગ્રેસે બદલામાં અન્ય રાજકીય પક્ષોને પણ સમર્થન આપવું પડશે. જો હું તમને કર્ણાટકમાં સમર્થન આપું પણ તમે બંગાળમાં મારી સામે લડો તો એ નીતિ અયોગ્ય છે. જો તમે કંઈક સારું પ્રાપ્ત કરવા માંગો છો, તો તમારે કેટલાક ક્ષેત્રોમાં બલિદાન પણ આપવું પડશે.
ટીએમસી પ્રમુખ મમતાએ અત્યારથી જ 2024ની લોકસભાની ચૂંટણીની સોગઠાબાજી શરૂ કરી દીધી છે. મમતાએ આ દિશામાં કહ્યું હતું કે, મારૂ કહેવું છું કે, જ્યાં પ્રાદેશિક પક્ષ મજબૂત છે, ત્યાં ભાજપ લડી શકતી નથી. લોકો નિરાશ અને હતાશ છે. કર્ણાટકમાં મતદાન ભાજપ સરકાર સામેનો જ જનાદેશ છે.
મમતા બેનર્જી જશે દિલ્હી
સીએમ મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે, આ મહિનાના અંત સુધીમાં તેઓ દિલ્હી જશે. તે 27 મેના રોજ નીતિ આયોગની બેઠકમાં હાજરી આપશે. કારણ કે, રાજ્યના મુદ્દાઓ ઉઠાવવાનો બીજો કોઈ વિકલ્પ નથી. તેમણે કહ્યું હતું કે, દિલ્હી પ્રવાસ દરમિયાન વિપક્ષની બેઠકનો કોઈ પ્રસ્તાવ નથી.
આ પહેલા શનિવારે મમતા બેનર્જીએ બીજેપી પર નિશાન સાધતા કહ્યું હતું કે, જો તમે દક્ષિણથી શરૂઆત કરો તો કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પછી બંગાળ, બિહાર, ઝારખંડ, તો મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી આ રાજ્યોમાં પહેલા જેમણે તેમની સરકાર બનાવી હતી. પરંતુ હવે તેઓ (ભાજપ) 100 બેઠકો પણ પાર નહીં કરી શકે.
છત્તીસગઢ-મધ્ય પ્રદેશને લઈ દીદીની ભવિષ્યવાણી
તેમણે લોકોને અહંકાર, ગેરવર્તણૂક, એજન્સીની રાજનીતિ સામે 'વોટ ટૂ નો ભાજપ કેમ્પેઈન'નું આહવાન કર્યું હતું. મમતાએ કહ્યું હતું કે, હું કર્ણાટકની જનતા અને મતદારોને સલામ કરું છું અને કોંગ્રેસ પાર્ટીને તેની જીત માટે અભિનંદન આપું છું. હવે છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ચૂંટણી છે. અહીં પણ ભાજપની હાર જ થશે.