Opposition PM Face For Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણી 2024 માટે બે મોટા ગઠબંધનની જાહેરાત કરવામાં આવી છે. એક 'India'નામના 26 વિપક્ષી પક્ષોનું ગઠબંધન છે અને બીજું સત્તાધારી NDA છે. પરંતુ સૌકોઈના મનમાં એક જ સવાલ છે કે, મોદીની સામે વિપક્ષનો ચહેરો કોણ હશે? સી-વોટરે ગયા અઠવાડિયે આ પ્રશ્ન પર એક સર્વે કર્યો છે, જેના પર લોકોએ ખૂબ જ આશ્ચર્યજનક જવાબો આપ્યા છે.
સી-વોટરના આ સર્વેમાં વિપક્ષના પીએમ ચહેરા માટે ઘણા નામો પર લોકોના અભિપ્રાય મળ્યા છે. જો કે સર્વેમાં મમતા બેનરજી, અરવિંદ કેજરીવાલ, નીતિશ કુમાર અને કોંગ્રેસના પ્રિયંકા ગાંધીને લોકોએ સૌથી વધુ પસંદ કર્યા છે.
રાહુલ નહીં તો કોણ?
મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રાહતની માંગને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા બાદ સી-વોટર દ્વારા આ સર્વે કરવામાં આવ્યો છે. બીજી તરફ જો રાહુલ ગાંધીને આ મામલે વધુ રાહત નહીં મળે તો તેઓ આગામી લોકસભાની ચૂંટણી લડી શકશે નહીં. આ સ્થિતિમાં વિપક્ષી ગઠબંધન માટે વડાપ્રધાન પદના ચહેરાને લઈને દુવિધા ચોક્કસ છે. સર્વેમાં લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે, જો રાહુલ ગાંધી ચૂંટણી નહીં લડે તો વિપક્ષી છાવણીમાંથી પીએમ ચહેરો કોણ હશે?
સી-વોટર સર્વેમાં સામેલ 10 ટકા લોકોએ ટીએમસીના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેના દાવેદાર ગણાવ્યા છે. તો લગભગ 14 ટકા લોકોએ દિલ્હીના સીએમ અને આમ આદમી (આપ) પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલને પીએમ પદ માટે તેમની પસંદગી હોવાનું જણાવ્યું હતું. જ્યારે 14 ટકા લોકોએ બિહારના સીએમ અને જેડીયુના વડા નીતીશ કુમારને પોતાની પસંદગી ગણાવી છે. લોકોએ કેજરીવાલ અને નીતિશ કુમાર બંનેને એક સરખા મત આપ્યા હતા.
વિપક્ષના પીએમ માટે આ છે શ્રેષ્ઠ વિકલ્પ!
સી-વોટર સર્વેમાં આ તમામ નેતાઓ કરતાં વધુ લોકોએ કોંગ્રેસ નેતા અને રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધીને મત આપ્યા છે. મોટાભાગના લોકોએ સ્વીકાર્યું છે કે, વિપક્ષના પીએમ પદના ઉમેદવાર તરીકે પ્રિયંકા ગાંધી શ્રેષ્ઠ પસંદગી છે. CVoter સર્વે અનુસાર, લગભગ 33 ટકા લોકો માને છે કે, વિપક્ષના PM ચહેરા તરીકે પ્રિયંકા ગાંધી મમતા, કેજરીવાલ અને નીતીશ કરતાં આગળ છે. આગામી વર્ષે એપ્રિલ કે મે મહિનામાં લોકસભાની ચૂંટણી યોજાઈ શકે છે.