નવી દિલ્હીઃ લોકસભામાં બુધવારે એસપીજી સંશોધન બિલ પર ચર્ચાનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કોગ્રેસ પર પ્રહાર કર્યા છે. બદલાની રાજનીતિના કોગ્રેસના આરોપો પર અમિત શાહે કહ્યું કે, આ બીજેપીના સંસ્કારો નથી પરંતુ કોગ્રેસની ઓળખ છે. નામ લીધા વિના ગાંધી પરિવાર પર હુમલો કરતા અમિત શાહે કહ્યું કે, અત્યાર સુધી એસપીજી સુરક્ષાના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા તે ફક્ત એક જ પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા પ્રથમવાર વડાપ્રધાનની  સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવી રહ્યા છે. શાહે કહ્યું કે, એસપીજી વડાપ્રધાનની સુરક્ષા માટે છે, તેનો સ્ટેટ્સ સિંમ્બોલ માટે ઉપયોગ નહી થાય. નોંધનીય છે કે બુધવારે ચર્ચા બાદ લોકસભામાં એસપીજી સંશોધન મંજૂરી મળી ગઇ છે.


લોકસભામાં એસપીજી સંશોધન બિલને ધ્વનિમતથી પાસ કરવામાં  આવ્યુ હતું. અહી અમિત શાહે કહ્યુ કે, ચંદ્રશેખરજીની સુરક્ષા પાછી લઇ લેવામાં આવી ગઇ પરંતુ કોઇ કોગ્રેસ કાર્યકર્તાઓ કાંઇ બોલ્યા નહોતા, નરસિંમ્હરા રાવની સુરક્ષા પાછી લઇ લેવામાં આવી પરંતુ કોઇએ ચિંતા વ્યક્ત ના કરી. ચિંતા કોની છે, દેશના નેતૃત્વની કે એક પરિવારની? આ દરમિયાન કોગ્રેસે સંસદમાંથી કોગ્રેસે વોકઆઉટ કર્યું હતું.


શાહે કહ્યું કે, એસપીજીની રચના વડાપ્રધાનની સુરક્ષા માટે કરવામાં આવી હતી અને દુનિયાના અનેક દેશો તેમના ટોચના નેતાઓની  સુરક્ષા માટે આ પ્રકારની વિશેષ સુરક્ષા એકમ બનાવે છે. શાહે કહ્યું કે, આ બિલને લાવવાનો હેતું એસપીજીને પ્રભાવી બનાવે છે. હું જે સંશોધન લઇને આવું છું જે હેઠળ એસપીજી સુરક્ષા ફક્ત વડાપ્રધાન અને તેમની સાથે આવાસમાં રહેનારા લોકો માટે તથા સરકાર દ્ધારા ફાળવાયેલા ઘર પર રહેનારા પૂર્વ વડાપ્રધાન અને તેમના પરિવારને પાંચ વર્ષ સુધી એસપીજી સુરક્ષા પ્રાપ્ત થશે.