Lok Sabha Security Breach:  સંસદની સુરક્ષામાં ખામી મામલાની તપાસ માટે ગૃહ મંત્રાલયે સીટની રચના કરી હતી. ઓડિયન્સ ગેલેરીમાં બેઠેલા બે લોકો સાંસદોના બેસવાની જગ્યામાં કૂદી પડ્યા અને કેન મારફતે ધૂમાડો ફેલાવ્યો હતો. આ સિવાય અન્ય બે લોકોએ કેમ્પસમાં પ્રદર્શન કર્યું અને 'તાનાશાહી નહીં ચાલે' જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. સુરક્ષામાં ખામીની આ ઘટના 2001માં સંસદ પર થયેલા આતંકવાદી હુમલાની વરસી પર બની હતી. દરમિયાન ગૃહ મંત્રાલયે તપાસ માટે SITની રચના કરી છે.






મંત્રાલયે કહ્યું હતુ કે  "લોકસભાના મહાસચિવના પત્ર પર ગૃહ મંત્રાલયે CRPFના DG અનીશ દયાલ સિંહની અધ્યક્ષતામાં SITની રચના કરી છે." અન્ય સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ તેમાં સભ્ય તરીકે ભાગ લેશે.


ગૃહ મંત્રાલયે શું કહ્યું?


ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે, "સમિતિ તપાસ કરશે કે સુરક્ષામાં ખામી કેવી રીતે થઈ અને સુરક્ષા ક્ષતિનું કારણ જાણ્યા પછી પગલાં લેશે." આ સિવાય સુરક્ષામાં સુધારો કરવા માટે સમિતિ વહેલી તકે પોતાનો રિપોર્ટ આપશે.


વિપક્ષના સરકાર પર પ્રહારો


સમગ્ર મામલાને લઈને વિપક્ષ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં સરકાર પર નિશાન સાધતા કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મામલે બંને ગૃહમાં નિવેદન આપવું જોઈએ. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે વિપક્ષ રાજનીતિ કરી રહ્યો છે.


કેવી રીતે બની ઘટના?


બુધવારે લોકસભાની કાર્યવાહી દરમિયાન બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી સદનની અંદર કૂદી પડ્યા અને સ્પ્રે વડે ધુમાડો ફેલાવ્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ગૃહમાં ઝીરો અવર દરમિયાન બપોરે 1 વાગ્યાની આસપાસ બે વ્યક્તિઓ પ્રેક્ષક ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા અને તેમાંથી એક વ્યક્તિ ઝડપથી એક ટેબલ પરથી બીજા ટેબલ પર કૂદીને આગળ દોડી રહ્યો હતો. સુરક્ષાકર્મીઓ અને કેટલાક સાંસદોએ તેમને ઘેરી લીધા હતા. બાદમાં બંને ઝડપી લીધા હતા.