LokSabha Election 2024: ગુજરાતની જેમ મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ઈન્દોર લોકસભા સીટ પરથી પાર્ટીના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું ઉમેદવારીપત્રક પરત ખેંચી લીધું છે. એટલું જ નહીં કોંગ્રેસ છોડીને અક્ષય બમ ભાજપમાં જોડાઈ ગયા છે. બીજેપીના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયએ આ જાણકારી આપી છે.






કૈલાશ વિજયવર્ગીયએ અક્ષય બમ સાથે સેલ્ફી શેર કરતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડો. મોહન યાદવ અને પ્રદેશ પ્રમુખ વી.ડી.શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.


17 વર્ષ જૂના કેસમાં અક્ષય કાંતિ બમની મુશ્કેલીઓ વધી છે


નોંધનીય છે કે ચાર દિવસ પહેલા 25 એપ્રિલના રોજ અક્ષય કાંતિ બમ અને કેટલાક અન્ય લોકો વિરુદ્ધ 17 વર્ષ જૂના હત્યાના પ્રયાસના કેસમાં આગામી સુનાવણી 10 મેના રોજ થશે. આ સાથે અક્ષય કાંતિ બમ અને અન્યોની મુશ્કેલીઓ વધી ગઈ છે.






ભાજપના ઉમેદવાર સામે કોઈ મોટો પડકાર નથી


અક્ષય કાંતિ બમે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે. એટલે કે હવે તેઓ લોકસભાની ચૂંટણી નહીં લડે. એક રીતે જોવામાં આવે તો હવે ભાજપના શંકર લાલવાણીને ઈન્દોરમાં કોઈ પણ પ્રકારના પડકારનો સામનો કરવો પડશે નહીં.


નોંધનીય છે કે ઈન્દોર લોકસભા સીટ પર ચૂંટણી માટે 25 એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા. 29મી એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. કોંગ્રેસને કોઈ સમાચાર મળે તે પહેલા કૈલાશ વિજયવર્ગીયએ આ 'ઓપરેશન' પાર પાડ્યું. ઈન્દોરમાં લોકસભા ચૂંટણી માટે 13 મેના રોજ મતદાન થશે અને 4 જૂને મતગણતરી પૂર્ણ થશે.


અક્ષય કાંતિ બમે એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ 57 કરોડ રૂપિયા હોવાનું જાહેર કર્યું હતું. ખાસ વાત એ છે કે કોંગ્રેસના ઉમેદવાર પાસે કાર નથી. તે 14 લાખ રૂપિયાની ઘડિયાળ પહેરે છે.