Delhi High Court: 'ભગવાન શિવને કોઈના રક્ષણની જરૂર નથી.' દિલ્હી હાઇકોર્ટે યમુના નદીના પાણીમાં ડૂબી જતા હોય તેવા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બનેલા મંદિરને હટાવવા સંબંધિત અરજીમાં ભગવાન શિવને પક્ષકાર બનાવવાનો ઈનકાર કરતા દિલ્હી હાઈકોર્ટે આ ટિપ્પણી કરી છે.






દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે જો યમુના નદીના નીચાણવાળા વિસ્તારો અને પૂરના વિસ્તારોને તમામ અતિક્રમણ અને અનધિકૃત બાંધકામોથી મુક્ત કરવામાં આવે તો ભગવાન શિવ વધુ પ્રસન્ન થશે. પૂર વિસ્તારની નજીક ગીતા કોલોનીમાં સ્થિત પ્રાચીન શિવ મંદિરને તોડી પાડવા અંગેના આદેશને રદ કરવાનો ઇનકાર કરતી વખતે કોર્ટે આ ટિપ્પણી કરી હતી.


જસ્ટિસ ધર્મેશ શર્માએ શું કહ્યું?


જસ્ટિસ ધર્મેશ શર્માએ કહ્યું હતું કે “અરજીકર્તાના વકીલ દ્વારા આપવામાં આવેલી એ દલીલ કે મંદિરના દેવતા હોવાના કારણે ભગવાન શિવને પણ આ કેસમાં પક્ષકાર બનાવવા જોઈએ. તેમના સભ્યોએ નિહિત હિતોને પૂરા કરવા માટે સમગ્ર વિવાદને અલગ રંગ આપવાનો આ એક હતાશાજનક પ્રયાસ છે.


દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું, “ભગવાન શિવને અમારા રક્ષણની જરૂર નથી. પરંતુ આપણે તેમની પાસે સુરક્ષા અને આશીર્વાદ માંગીએ છીએ. તેમાં કોઈ શંકા નથી કે જો યમુના નદીના નીચાણવાળા વિસ્તારો અને પૂરના વિસ્તારોને તમામ અતિક્રમણો અને અનધિકૃત બાંધકામોથી મુક્ત કરવામાં આવે તો ભગવાન શિવ વધુ પ્રસન્ન થશે.”


અરજદારનો દાવો


અરજદારે દાવો કર્યો હતો કે મંદિર આધ્યાત્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે, જ્યાં નિયમિત રીતે 300 થી 400 ભક્તો આવે છે. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે અરજદાર સોસાયટીને મંદિરની મિલકતની પારદર્શિતા, જવાબદારી અને જવાબદાર સંચાલન જાળવવાના ઉદ્દેશ્યથી 2018માં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતુ


કોર્ટે 15 દિવસનો સમય આપ્યો છે


કોર્ટે કહ્યું કે અરજદાર સોસાયટી જમીન પર પોતાની માલિકી, અધિકાર કે હિતના સંબંધમાં કોઇ દસ્તાવેજ બતાવવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે અને એ વાતના કોઇ પુરાવા નથી કે મંદિરનું કોઈ ઐતિહાસિક મહત્વ છે. કોર્ટે કહ્યું કે સોસાયટીને મંદિરમાં રાખવામાં આવેલી મૂર્તિઓ અને અન્ય ધાર્મિક વસ્તુઓને હટાવવા અને તેને કોઇ અન્ય મંદિરમાં શિફ્ટ કરવા માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે.


દિલ્હી હાઈકોર્ટની પોલીસ અને પ્રશાસનને નિર્દેશ


કોર્ટે કહ્યું કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય તો દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ)ને નિર્દેશ આપવામાં આવે છે કે તે સુનિશ્ચિત કરે કે મૂર્તિઓ કોઈ અન્ય મંદિરમાં મુકવામાં આવે. કોર્ટે કહ્યું, “ડીડીએ અનધિકૃત બાંધકામને તોડી પાડવા માટે સ્વતંત્ર રહેશે અને અરજદાર સોસાયટી અને તેના સભ્યો આવી પ્રક્રિયામાં કોઈ અડચણ કે અવરોધ ઊભો કરશે નહીં. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ પ્રક્રિયામાં સંપૂર્ણ મદદ કરશે.