Cabinet Approves One Time Compensation To OMC In LPG : કેન્દ્રિય કેબિનેટે સરકારી તેલ કંપનીઓ (ઓએમસી) ને મોટી રાહત આપી છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં કેન્દ્રની મોદી સરકારે રૂ. 22,000 કરોડની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ની અંડર-રિકવરી પર મોટો નિર્ણય લીધો છે. સરકારે એલપીજીના વેચાણ પર થયેલા નુકસાનની ભરપાઈ કરવાનો નિર્ણય લીધો છે, જેના માટે સરકાર આ ઓઈલ કંપનીઓને 22000 કરોડ રૂપિયા આપશે. કેન્દ્ર સરકારે ઘરેલુ એલપીજીને અંડર રિકવરી હેઠળ વળતર આપવાનો નિર્ણય કર્યો છે. લાંબા સમયથી વારંવાર સવાલ ઉઠાવવામાં આવી રહ્યો હતો કે કંપનીઓની અંડર-રિકવરી વધી રહી છે તેની ભરપાઈ કેવી રીતે થશે.
22 હજાર કરોડની સબસિડી
મોદી સરકારમાં મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું કે આજે ઘરેલુ એલપીજી માટે 22 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય કેબિનેટે સહકારી મંડળીઓને સશક્ત બનાવવા બિલમાં ફેરફારને મંજૂરી આપી છે. ઘરેલુ એલપીજી માટે 22 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાંથી IOC, HPCL, BPCLને અંડર રિકવરીનાં બદલામાં રકમ મળશે.
એલપીજીના ભાવમાં 300 ટકાનો વધારો
નોંધનીય છે કે જૂન 2020-જૂન 2022 વચ્ચે એલપીજીની આંતરરાષ્ટ્રીય કિંમતોમાં 300 ટકાનો વધારો થયો છે. જ્યારે સ્થાનિક એલપીજીના ભાવમાં માત્ર 72 ટકાનો વધારો થયો છે. નીચા સ્થાનિક ભાવને કારણે કંપનીઓને નુકસાન થયું હતું. આજે જાહેર કરવામાં આવેલી સબસિડી રૂ. 5812 કરોડની બજેટ ફાળવણી કરતાં અલગ હશે. તેમાં પેટ્રોલ, ડીઝલની અંડર રિકવરીની ચૂકવણી સામેલ નથી.
આજે કેબિનેટના અન્ય મહત્વના નિર્ણયોમાં Multi-State Cooperative Societies (Amendment) Bill 2022 માં ફેરફારોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સહકારી મંડળીઓના સંચાલન અને ચૂંટણીમાં સુધારા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ સિવાય કેબિનેટે કંડલાના ટૂના ટેકરામાં PPP (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ) દ્વારા Multipupose Cargo Berth બનાવવાની દરખાસ્તને મંજૂરી આપી છે. આ સિવાય રેલવે કર્મચારીઓ માટેના બોનસને પણ કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. ઉત્તર પૂર્વના વિકાસ માટે 6600 કરોડ રૂપિયાની જોગવાઈને પણ મંજૂરી આપવામાં આવી છે.