ભોપાલ: મધ્યપ્રદેશમાં વિધાનસભા પેટાચૂંટણી પહેલા ભાજપની સરકારમાં મંત્રી રહી ચૂકેલા કન્હૈયા લાલ અગ્રવાલ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની હાજરીમાં આજે કૉંગ્રેસમાં જોડાઈ ગયા છે. ત્યારે બીજી તરફ કૉંગ્રસેના ધારાસભ્ય નારાયણ પટેલે રાજીનામું આપી આજે જ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.

અગ્રવાલ ગુના સંસદીય ક્ષેત્રની બમોરી વિધાનસભા ક્ષેત્રમાંથી આવે છે અને તેઓ અહીંથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. શિવરાજ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના ભાજપમાં જોડાયા બાદ અગ્રવાલનું કૉંગ્રેસમાં સામેલ થવું મોટો રાજકીય નિર્ણય માનવામાં આવી રહ્યો છે. કૉંગ્રેસ અગ્રવાલને આગામી પેટાચૂંટણીમાં ઉમેદવાર પણ બનાવી શકે તેવી સંભાવના છે.


ખંડવા જિલ્લાની માંધતા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય નારાયણ પટેલે પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતાનું રાજીનામું વિધાનસભા સ્પીકર રામેશ્વર શર્માએ આપ્યું હતું . પ્રોટેમ સ્પીકર શર્માએ જણાવ્યું કે, પટેલે બુધવારે રાજીનામુ આપ્યું હતું. પરંતુ તેમને પોતાના નિર્ણય પર વિચારવાની તક આપવામાં આવી હતી. પટેલ પોતાના નિર્ણય પણ કાયમ રહ્યાં, બાદમાં તેમનું રાજીનામું સ્વીકાર કરી લેવામાં આવ્યું.

મધ્યપ્રદેશ વિધાનસભામાં હવે 27 બેઠકો ખાલી થઈ ગઈ છે. કૉંગ્રેસ પાસે હવે 89 ધારાસભ્યો બચ્યા છે. થોડા દિવસો પહેલા 2 ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ લોધી અને સુમિત્રા દેવીએ પણ રાજીનામું આપ્યું હતું. ભાજપ દાવો કરતું રહ્યું છે કે કૉંગ્રેસના ઘણા ધારાસભ્ય તેમના સંપર્કમાં છે.

ઉલ્લેખનીય છે કે માર્ચ મહીનામાં જ્યોતિરાદિત્ય સિંધિયાએ પોતાની નજીકના 22 ધારાસભ્યો સાથે કૉંગ્રસમાંથી બળવો કર્યો હતો. ત્યારબાદ કમલનાથની સરકાર લધુમતિમાં આવી ગઈ હતી અને તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.