CLAIM 
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પ્રયાગરાજ મહાકુંભ જતી ટ્રેનમાં કેટલી ભીડ છે, લોકો ટ્રેનની છત પર બેસીને મુસાફરી કરી રહ્યા છે.


FACT CHECK 
BOOM ને તપાસમાં જાણવા મળ્યું કે વીડિઓ સાથે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. ભરચક ટ્રેનનો આ વીડિયો બાંગ્લાદેશનો છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ સાથે તેનો કોઈ સંબંધ નથી.


 


સોશિયલ મીડિયા પર એક ખીચોખીચ ભરેલી ટ્રેનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો ટ્રેનની છત પર મુસાફરી કરતા જોવા મળી રહ્યા છે. યૂઝર્સ આ વીડિયોને મહાકુંભ સાથે જોડી રહ્યા છે અને દાવો કરી રહ્યા છે કે આ પ્રયાગરાજ જતી ટ્રેન છે.


BOOM ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો ભારતનો નહીં પણ બાંગ્લાદેશનો છે. તેનો પ્રયાગરાજ મહાકુંભ સાથે કોઈ સંબંધ નથી.


ઇન્સ્ટાગ્રામ પર એક યૂઝરે પોતાના વીડિયોમાં વાયરલ ક્લિપને મહાકુંભ જતી ટ્રેન તરીકે શેર કરી. જ્યારે અન્ય એક ઇન્સ્ટાગ્રામ યૂઝરે કહ્યું કે તે મહારાષ્ટ્રથી પ્રયાગરાજ જતી ટ્રેન હતી.






ફેક્ટ ચેક


જ્યારે અમે વાયરલ વીડિયોને નજીકથી જોયો, ત્યારે અમને જાણવા મળ્યું કે ભીડમાં મોટાભાગના લોકોએ ઇસ્લામિક પોશાક પહેર્યો હતો. આ ઉપરાંત ટ્રેનની ઉપર બેઠેલા લોકોના હાથમાં લીલો ઝંડો હતો. આનાથી અમને શંકા થઈ કે વાયરલ વીડિયો સાથે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે.



સત્ય જાણવા માટે અમે કેટલાક સંબંધિત કીવર્ડ્સ સાથે વીડિઓના મુખ્ય ફ્રેમ્સ શોધ્યા. આ દ્વારા, અમને 20 જાન્યુઆરી, 2025 ના રોજ rail_and_road_bangladesh નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરાયેલો આ જ વીડિઓ મળ્યો.



વીડિયો અગાઉ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૪ ના રોજ પણ આ હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. આના પરથી સ્પષ્ટ થયું કે વાયરલ વીડિયો ૧૩ જાન્યુઆરી ૨૦૨૫ થી ચાલી રહેલા મહાકુંભ પહેલાનો છે.



વીડિયો સાથેના હેશટેગમાં બાંગ્લાદેશ અને ઢાકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આનાથી અમને સંકેત મળ્યો કે આ વીડિયો ઢાકા, બાંગ્લાદેશનો છે. આ હેન્ડલ પર બાંગ્લાદેશની ટ્રેનોમાં મોટી ભીડ દર્શાવતા અન્ય વીડિયો પણ જોઈ શકાય છે.


વીડિયોમાં, ટ્રેન એક સ્ટેશન પરથી પસાર થઈ રહી છે. ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાંથી સંકેત લઈને, અમે વાયરલ વીડિઓનું સ્થાન જાણવા માટે ઢાકા ડિવિઝનમાં આગામી જંકશન અને સ્ટેશનો શોધ્યા.


આ પ્રક્રિયામાં અમે ઢાકાના ટોંગી જંક્શન પહોંચ્યા. ગૂગલ મેપ્સ પર ઉપલબ્ધ ટોંગી જંકશનના તસવીરોમાં, અમે વાયરલ વીડિયોમાં હાજર એ જ ઇમારત જોઈ.



તેના સ્ટ્રીટ વ્યૂને જોતાં સ્પષ્ટ થઈ ગયું કે આ વીડિયો ઢાકાના ટોંગી જંકશનનો છે. અહીં વાયરલ વીડિયોમાં દેખાતી ઇમારત પણ જોઈ શકાય છે, જેના પર 'DRUG INTERNATIONAL TLD' લખેલું છે. એ સ્પષ્ટ છે કે બાંગ્લાદેશનો વીડિયો મહાકુંભ સાથે જોડીને ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યો છે.


(ડિસ્ક્લેમર: આ સમાચારનું ફેક્ટ ચેક BOOMએ કર્યુ છે, એબીપી અસ્મિતાએ શક્તિ કલેક્ટિવની સાથે ભાગીદારી અંતર્ગત આ ફેક્ટ ચેકમાં કોઇપણ ફેરફાર વિના પુનઃપ્રકાશિત કર્યુ છે)