મુંબઈઃ દેશમાં હાલ કોરોનાની બીજી લહેર કાબુમાં આવી ગઈ છે. આ દરમિયાન કેટલાક નિષ્ણાતોએ ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી છે. પરંતુ હાલ ડેલ્ટા વેરિયંટે ચિંતા વધારી દીધી છે. ગુજરાતને અડીને આવેલા અને ગુજરાતીઓની મોટી સંખ્યા છે તેવા મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિયંટના 21 નવા કેસ મળતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું, છેલ્લા એક સપ્તાહમાં રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયંટના 21 કેસ નોંધાયા છે.


તેમણે એમ પણ કહ્યું કે, અત્યાર સુધીમાં ડેલ્ટા પલ્સ (B.1.617.2.1 અથવા AY.1) વેરિયંટના 9 કેસ રત્નાગિરીમાં, જલગાંવમાં 7, મુંબઈમાં 2, પાલઘર, સિંધુદુર્ગ તથા થાણેમાં 1-1 કેસ નોંધાયા છે.  સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ મુજબ મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટિવ કેસ 1,27,523 છે. જ્યારે 57,33,215 લોકો કોરોનાને મ્હાત આપી ચુકયા છે. જ્યારે 1,18,313 લોકોના કોરોનાથી મોત થયા છે.


દેશમાં 91 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા કેસ નોંધાયા છે. સાથે જ સતત ત્રીજા દિવસે 60 હજારથી ઓછા કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, વિતેલા 24 કલાકમાં 42,640 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 1167 લોકોના મોત થયા છે.  જ્યારે 81,839 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી.


રસીકરણે તોડ્યા રેકોર્ડ


દેશમાં સતત 40માં દિવસ કોરોના વાયરસના નવા કેસની સંખ્યા કરતાં રિકવર થયેલ દર્દીની સંખ્યા વધારે નોંધાઈ છે. 20 જૂન સુધી દેશભરમાં 28 કરોડ 87 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 86 લાખ  16 હજાર લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જે ભારતમાં અત્યાર સુધીમાં એક દિવસમાં આપવામાં આવેલા સૌથી વધુ રસીના ડોઝ છે. જ્યારે અત્યાર સુધી 39 કરોડ 40 લાખથી વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 16 લાખ 64 હજાર કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા જેનો પોઝિટિવીટી રેટ અંદાજે 3 ટકા કરતાં વધારે હતો.


દેશમાં ક્યારે આવશે ત્રીજી લહેર


કોરોનાના ઘટતાં કેસની વચ્ચે લોકોએ બેદરકારી દાખવવાનું શરૂ કર્યુ છે. આ દરમિયાન નિષ્ણાતોએ ત્રીજી લહેરની ચેતવણી આપી છે. સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાતોની એક ટીમ સરવેમાં દેશમાં ઓક્ટોબર સુધીમાં એટલેકે તહેવારોના સમયમાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યક્ત કરી છે. તેમના કહેવા મુજબ આ લહેરમાં ભારતમાં આવેલી બીજી લહેરની સરખામણીએ વધુ નિયંત્રિત હશે, પરંતુ આ લહેરના કારણે દેશમાં કોરોના વધુ એક વર્ષ સુધી રહી શકે છે.