Maharashtra Politics: વર્ષ 2022 મહારાષ્ટ્રના રાજકારણ માટે ઉતાર-ચઢાવથી ભરેલું હતું. શિવસેના બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. એક શિવસેના ઉદ્ધવ ઠાકરે સાથે અને બીજી શિવસેના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથની. હવે ફરી એકવાર મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉદ્ધવ શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે સોમવારે મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના 22 ધારાસભ્યો ભાજપથી નારાજ છે અને પાર્ટી છોડવાની તૈયારી કરી રહ્યા છે. આ મામલે ભાજપ અને એકનાથ શિંદે જુથના નેતાઓએ ઉદ્ધવ જુથને વળતો જવાબ આપ્યો છે. 


ઉદ્ધવ શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે આજે એવો પણ દાવો કર્યો છે કે, 9 સાંસદો પણ અમારા સંપર્કમાં છે. જેઓ અમારી પાસે પાછા આવવા તૈયાર છે. આ તમામ નેતાઓ ભાજપને લઈને નારાજ ચાલી રહ્યાં હોવાનો દાવો પણ રાઉતે કર્યો છે. 


ઉદ્ધવ શિવસેનાના સાંસદ વિનાયક રાઉતે કહ્યું હતું કે, આ તમામ ધારાસભ્યો અને સાંસદો ત્યાં ખૂબ જ નારાજ છે કારણ કે ત્યાં કોઈ કામ નથી થઈ રહ્યું. તેમના મતવિસ્તારમાં કોઈ વિકાસનું કામ થઈ રહ્યું નથી. મુખ્યમંત્રી પણ તેમની વાત નથી સાંભળતા. અગાઉ શિંદે જૂથના સાંસદ ગજાનન કીર્તિકરે પણ ભાજપ પર ભેદભાવનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભાજપ શિંદે શિવસેના સાથે યોગ્ય વ્યવહાર નથી કરી રહી. શિંદે શિવસેનાના સાંસદો સાથે સાવકી મા જેવું વર્તન કરી રહ્યા છે. તેમની અવગણના કરવામાં આવી રહી છે.


શંભુરાજે દેસાઈ ગૂંગળામણ અનુભવી રહ્યા છે - વિનય રાઉત


સાંસદ વિનય રાઉતે કહ્યું હતું કે, મંત્રી શંભુરાજે દેસાઈએ 15 દિવસ પહેલા ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, તે ત્યાં ગૂંગળામણ અનુભવી રહ્યા છે. બીજી તરફ દેસાઈએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે, તેમણે આવું કોઈ કામ કર્યું જ નથી.


સાથે જ તેમણે કહ્યું હતું કે, વિનય રાઉતે પોતાના નિવેદન બદલ માફી માંગવી જોઈએ. ચેતવણી આપતા દેસાઈએ રાઉતને બે દિવસની નોટિસ આપી છે. તેમણે કહ્યું હતું કે, જો રાઉત પોતાનું નિવેદન પાછું નહીં ખેંચે તો તેઓ કાનૂની કાર્યવાહી કરશે.


શિંદે જુથ અને ભાજપનો વળતો પ્રહાર


ઉદ્ધવ જૂથના દાવા પર મંત્રી અને શિંદે જૂથના નેતા શંભુજરાજ દેસાઈએ કહ્યું હતું કે, અમે બધા એકનાથ શિંદેના નેતૃત્વથી સંતુષ્ટ છીએ. વિનાયક રાઉતના આ પ્રકારના નિવેદનમાં કોઈ જ તથ્ય નથી. તે અવારનવાર આ રીતે બોલતા જ રહે છે. વિનાયક રાઉતે મારા વિશે પણ આવું જ નિવેદન આપ્યું હતું, જો તેઓ તેને પરત નહીં લે તો હું કાયદાકીય કાર્યવાહી કરીશ.


તેવી જ રીતે આ સમગ્ર મામલે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે જૂથ પર પ્રહારો કર્યા છે. ફડણવીસે કહ્યું હતું કે, અમારાથી કોઈ અસંતુષ્ટ નથી. આખુ ઠાકરે જૂથ જ અસંતુષ્ટ છે. ઠાકરે જૂથમાં જ બીજી કોઈ જગ્યા કરતાં વધુ નારાજગી અને અસંતોષ છે.