લખનઉઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હારથી બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતી ખૂબ નારાજ છે. તેમણે મહારાષ્ટ્રના બસપાના પ્રદેશ અધ્યક્ષ સુરેશ સાખરેને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. મહારાષ્ટ્ર બસપા પ્રદેશ અધ્યક્ષ સુરેશ સાખર પર નબળા ઉમેદવાર ઉતારવાનો આરોપ લાગ્યો છે. માયાવતીના નિર્દેશ પર પ્રદેશ પ્રભારી અશોક સિદ્ધાર્થે આ આદેશ આપ્યો હતો.
પત્રમાં લખવામાં આવ્યું છે કે ચૂંટણી પ્રચાર કરવાના બદલે તમે નાગપુર ઉત્તરથી વિધાનસભા ચૂંટણી પાર્ટીની ઇચ્છા વિરુદ્ધ લડી અને ખરાબ રીતે પરાજય મેળવ્યો હતો. જેને કારણે પાર્ટીને નુકસાન પહોંચ્યું છે. આ સંબંધમાં બસપાના કાર્યકર્તાઓમાં સામાન્ય ચર્ચા છે કે સાખરે વિપક્ષી પાર્ટીઓ સાથે નિકટનો સંબંધ ધરાવે છે. આ કારણે તેમણે વિધાનસભા બેઠકો પર વિપક્ષી પાર્ટીઓ સાથે મળીને બસપાના નબળા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા.
નોંધનીય છે કે બસપાએ મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી સિવાય ઉત્તર પ્રદેશ સહિત અન્ય રાજ્યોમાં પેટાચૂંટણીમાં પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. પાર્ટીને કોઇ પણ બેઠક પર જીત મળી નથી.