નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે સંકેત આપ્યા છે કે હરિયાણામાં સરકાર બનાવવાના દાવો રજૂ કરી શકે છે. હરિયાણામાં ત્રિશંકુ વિધાનસભા આવે તેવી શક્યતા જણાંતા તેમની પાર્ટી રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે છે. ચૂંટણી પંચના આંકડા પ્રમાણે, ભાજપ હરિયાણાની 90 વિધાનસભા બેઠકોમાંથી 40 પર આગળ ચાલી રહી છે તથા તેમાંથી કેટલીક સીટો પર જીત હાંસલ કરી ચુકી છે. જ્યારે કૉંગ્રેસ 31 પર આગળ ચાલી રહી છે. રાજ્યમાં બહુમતનો આંકડો 46નો છે.
અમિત શાહે ટ્વીટ કર્યું કે, છેલ્લા પાંચ વર્ષોમાંથી મોદીજીના કેન્દ્રીય નેતૃત્વમાં ખટ્ટર સરકારે હરિયાણાની જનતાના વિકાસ માટે તમામ સંભવ પ્રયાસ કર્યા. ભાજપને સૌથી મોટી પાર્ટી બનાવી પુન: સેવાની તક આપવા માટે જનતાને અભિનંદન પાઠવું છું.
તેઓએ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર અને પ્રદેશ પાર્ટી પ્રમુખ સુભાષ બરાલાનો પણ આભાર વ્યક્ત કર્યો. અમિત શાહે ભાજપ-શિવસેના ગઠબંધનમાં વિશ્વાસ પ્રગટ કરવા માટે મહારાષ્ટ્રની જનતાને પણ અભિનંદન પાઠવ્યું.