મુંબઈ: મહારાષ્ટ્રમાં PMC બેંક કૌભાંડનો મામલો હજુ શાંત નથી ત્યાં ફરી વધુ એક બેંકનું કૌભાંડ સામે આવ્યું છે. બેંક કૌભાંડ કર્નાલા સહકારી બેંકમાં થયું છે. નવી મુંબઈના પનવેલ શહેરમાં આવેલી કર્નાલા સહકારી બેંકમાં 500 કરોડથી વધુ રકમનું કૌભાંડનો કેસ પોલીસે દાખલ કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ બેંકની અનેક નવા ખાતા ધારકોએ નકલી કાગળના આધારે લોન લઈને કરોડો રૂપિયાના કૌભાંડને અંજામ આપ્યો છે.


પોલીસના જણાવ્યા મુજબ પનવેલ કર્નાલા સહકારી બેંક કૌભાંડમાં પોલીસે શેતકરી કામગાર પાર્ટી, પૂર્વ ધારાસભ્ય અને બેંકના અધ્યક્ષ વિવેક પાટિલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. સાથે જ બેંકના સંચાલક મંડળ સહિત 14 બેંકના સભ્યો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ બેંકના 63 ખાતાઓની મદદથી નકલી કાગળના આધારે લગભગ 500 કરોડથી વધુની રકમનું બેંક કૌભાંડ કરવામાં આવ્યું છે.

પોલીસે 63 ખાતાધારકો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. પનવેલમાં થયેલા આ બેંક કૌભાંડને લઈને હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપે પનવેલમાં આ બેંકની સામે મોરચો કાઢ્યો છે અને માગ કરી છે કે બેંકના સંચાલક વિવેક પાટિલની ધરપકડ કરવામાં આવે. સાથે જ તેમની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવે. હાલ તો પોલીસે કર્નાલા સહકારી બેંક કૌભાંડનો કેસ EOWને સોંપ્યો છે.