Maharashtra: મહારાષ્ટ્રમાં રવિવારે એક ખુલ્લા મેદાનમાં યોજવામાં આવેલા મહારાષ્ટ્ર ભૂષણ કાર્યક્રમમાં મોટી દૂર્ઘટના ઘટી છે. અહીં ખુલ્લા મેદાનમાં આયોજિત 'મહારાષ્ટ્ર ભૂષણ' એવોર્ડ સમારોહ દરમિયાન આકરા સૂર્યના તાપના કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થયા થઇ ગયાના સમાચાર છે, આ કાર્યક્રમમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મુંબઈના નજીક આવેલા રાયગઢ જિલ્લાના ખારઘર વિસ્તારમાં આયોજિત એક કાર્યક્રમમાં આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક અપ્પાસાહેબ ધર્માધિકારીને એવોર્ડ એનાયત કર્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, નવી મુંબઈ અને પનવેલ શહેરની હૉસ્પીટલોમાં કેટલાક દર્દીઓ વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.
રિપોર્ટ પ્રમાણે, મહારાષ્ટ્રમાં આયોજિત આ સન્માન સમારોહમાં હીટસ્ટ્રોકના કારણે 11 લોકોનાં મોત થયા છે. જ્યારે અન્ય 50 લોકોની તબિયત પણ લથડી હતી. જેમને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.આ કાર્યક્રમનું આયોજન નવી મુંબઈના ખારઘરમાં કરવામાં આવ્યું હતું, અને આ કાર્યક્રમમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. આ પ્રસંગે અપ્પાસાહેબ ધર્માધિકારીનું મહારાષ્ટ્ર ભૂષણથી સન્માન કરવામાં આવ્યું હતું.
જોકે, સન્માન સમારોહમાં બપોર સુધી ગરમીનુ પ્રમાણ ખુબ વધી ગયુ હતુ, અને આકારા તાપના કારણે લોકોને લૂ લાગી ગઇ હતી. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઈનામનું વિતરણ કર્યું હતું અને સભા પણ સંબોધી હતી. આ કાર્યક્રમમાં લાખો લોકોએ હાજરી આપી હતી પણ બેસવાની કોઈ વ્યવસ્થા કરાઈ નહોતી. બધાએ તડકામાં બેસવું પડ્યું અને હીટસ્ટ્રોકનો શિકાર થઈ ગયા. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહની સાથે મહારાષ્ટ્ર સરકારના સીએમ શિન્દે, ડે.સીએમ ફડણવીસ પણ હાજર હતા. વિપક્ષે આ મામલે આક્રમક વલણ અપનાવ્યું છે. જોકે, આ ઘટના બાદ સીએમ એકનાથ શિન્દે પીડિતોની ખબર અંતર પુછવા માટે હૉસ્પીટલ પહોંચ્યા હતા.
વળતરની જાહેરાત કરાઇ -
માહિતી અનુસાર, મૃત્યુ પામેલા 11 લોકો હીટસ્ટ્રોકના કારણે બીમાર હતા. સીએમ શિંદે પણ કાર્યક્રમ બાદ હોસ્પિટલ ગયા હતા જ્યાં અન્ય બીમાર લોકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. સીએમ શિંદેએ મૃતકોને 5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. જ્યારે બીમાર લોકોની સારવારનો ખર્ચ ઉઠાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.