મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના દિગ્ગજ નેતા એકનાથ ખડસેએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. એકનાથ ખડસે ફડણવીસ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. કહેવામાં આવી રહ્યું છે તેઓ પાર્ટીથી નારાજ હતા. ખડસેએ આજે સાંજે પ્રેસ કોન્ફ્રેન્સ કરીને રાજીનામું આપવાની જાહેરાત કરશે.


ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ મહારાષ્ટ્ર ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટિલે કહ્યું હતું કે, એક નાથ ખડસે રાજીનામું નહીં આપે. તેમણે કહ્યું હતું કે, “મને વિશ્વાસ છે કે, વરિષ્ઠ નેતા ખડસે પાર્ટી સાથે જોડાયેલા રહેશે.” સાથે તેમણે કહ્યું કે કોઈ પાર્ટી છોડે છે તો તેનું રાજીનામું મને મોકલાવે છે, જો કે મનું હજુ સુધી કોઈ મોટા કે નાના નેતાનું રાજીનામુ મળ્યું નથી.



મહારાષ્ટ્રની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી હતી કે ખડસે એનસીપીમાં જોડાઈ શકે છે. તે સમયે માત્ર અટકળો હતી પરંતુ હવે રાજીનામાના સમાચાર બાદ ખડસે એનસીપીમાં જોડાશે તેવું સ્પષ્ટ નજર આવી રહ્યું છે.

વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણીમા ખડસેને પાર્ટીમાંથી ટિકિટ આપવામાં આવી નહોતી. તેને લઈ ખડસેએ દેવેન્દ્ર ફડણવીસ અને ગિરીશ મહાજન વિરુદ્ધ મોર્ચો ખોલી દીધો હતો. ખડસે એ કહ્યું હતું કે, કેટલાક લોકો મારું રાજકીય કેરિયર ખતમ કરવા માંગે છે.