મહારાષ્ટ્રમાં એક દિવસમાં ત્રણ હજારથી વધારે કોરોનાના મામલા સામે આવ્યા છે. જે એક દિવસમાં સંક્રમિતોની નોંધાયેલી સૌથી વધારે સંખ્યા છે. તેની સાથે જ રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ 50 હજારને પાર કરી ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ પ્રમાણે મહારાષ્ટ્રમાં કોરના સંક્રમિતોની સંખ્યા 50,231 પર પહોંચી છે. 1635 લોકોના મોત થયા છે અને 14,600 લોકો સાજા થઈ ગયા છે
આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના વધુ એક મંત્રીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ટાઈમ્સ નાઉની રિપોર્ટ પ્રમાણે નાંદેડમાં અશોક ચવ્હાણનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અશોક ચવ્હાણ હાલ ઉદ્ધવ સરકારમાં પીડબલ્યુડી મંત્રી છે. તેઓ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે.
આ પહેલા મંત્રી જિતેંદ્ર અવ્હાડને કોરોનાનો ચેપ લાગ્યો હતો. તેમના પર્સનલ સ્ટાફના 14 લોકોનો પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ચવ્હાણને સારવાર માટે નાંદેડથી મુંબઈ લાવવામાં આવશે.