મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ ફરી વધી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકડાઉન લાગુ કરવાની ચેતવણી આપી છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, જો લોકો નિયમોનું પાલન નહીં કરે તો, ના છુટકે સરકારે લૉકડાઉન લાગુ કરવું પડશે.


એટલુ જ નહીં મહારાષ્ટ્રમાં સંક્રમણ વધતા આજથી મહારાષ્ટ્રમાં રાજકીય, ધાર્મિક અને સામાજિક બેઠકો પર પ્રતિબંધ લગાવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથોસાથ જનતાને કહ્યું છે કે માસ્ક પહેરો અને લોકડાઉન ટાળો.

જોકે એક સપ્તાહ સુધી સ્થિતિની સમીક્ષા કરાશે. જો લોકો માસ્ક પહેરવા અંગે બેદરકાર રહેશે તો ઠાકરેએ લોકડાઉન લાગુ કરવાની ચીમકી આપી છે. કોરોના સંક્રમણ ફેલાતુ રોકવા માટે રાજ્ય સરકારે અમરાવતી, અકોલા, બુલઢાના, વાશિમ, યવતમાલમાં 7 દિવસનાં લોકડાઉનની જાહેરાત કરી છે.

આ પ્રતિબંધ આગામી એક માર્ચ સુધી અમલી રહેશે. લગ્ન સમારોહમાં માત્ર 25 લોકોને જ ઉપસ્થિત રહેવાની મંજુરી આપવામાં આવી છે. જ્યારે ઓફિસોમાં પણ માત્ર 15 ટકા સ્ટાફને જ હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે. તે સાથે જ શાળા-કોલેજો બંધ રહેશે. જો કે આ દરમિયાન અનિવાર્ય સેવાઓ ચાલું રહેશે.