CM Eknath Shinde Meet Amit Shah : મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, મેં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન મને રાજ્યપાલની જવાબદારીમાંથી મુક્ત કરવાની અપીલ કરી છે. હવે રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને રાજ્યમાં કંઈક મોટી નવા-જુનીને લઈને ઈશારો કરતા અનેક રાજકીય તર્ક-વિતર્ક વહેતા થયા છે. 


મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની આ મુલાકાત નોર્થ બ્લોક સ્થિત ગૃહ મંત્રાલયમાં થઈ હતી. બેઠકમાં મહારાષ્ટ્રને લગતા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથેની બેઠક બાદ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, ખાંડ ઉદ્યોગને મજબૂત અને સશક્તિકરણ પર સકારાત્મક ચર્ચા થઈ હતી. ચોક્કસ મહારાષ્ટ્રના ખાંડ ઉદ્યોગ અને ખેડૂતોને આનો ફાયદો થશે.


શિંદેએ ઉમેરતા કહ્યું હતું કે, સહકાર મંત્રી એવા નિર્ણયો લેશે જેનાથી મહારાષ્ટ્રને ફાયદો થશે. બીજી તરફ બેઠક બાદ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, 26 જાન્યુઆરીને લઈને રાજ્ય સરકારની સુરક્ષા વ્યવસ્થા એકદમ યોગ્ય છે. પોલીસ અને તપાસ એજન્સીઓ એલર્ટ પર છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 26 જાન્યુઆરીએ મુંબઈમાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટી શકે છે.


બીજી તરફ, છેલ્લા કેટલાક સમયથી પોતાના નિવેદનોને લઈને વિવાદોમાં ઘેરાયેલા મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ તેમના પદ પરથી હટાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ અંગે તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો છે. સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ભગતસિંહ કોશ્યારીએ પોતે આ અંગે માહિતી આપી હતી. બીજી તરફ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પણ રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક ટીવી ચેનલ પર વાતચીત દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, જો તેઓ વધુ પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે ચાલુ રહેવા માંગતા હોય તો તેમને કોઈ રાજીનામું આપવા માટે નહીં કહે.


Maharashtra Governor : મહારાષ્ટ્રના રાજ્યપાલે કર્યો ધડાકો, PM મોદી સાથેની મુલાકાતને લઈ કહ્યું કે...


ભગતસિંહ કોશ્યારીએ સૌકોઈના આશ્ચર્ય વચ્ચે અચાનક જ મહારાષ્ટ્રના રાજ્યપાલ પદ પરથી રાજીનામું આપવાની ઈચ્છા વ્યક્ત કરી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ કહ્યું હતું કે, મેં પીએમને તમામ રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત થવાની મારી ઈચ્છા જણાવી દીધી છે. રાજભવન દ્વારા આજ રોજ એક પ્રેસ રિલીઝ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી છે. 


રાજ્યપાલે ભગતસિંહ કોશ્યારીએ કહ્યું હતું કે, તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM મોદી)ને તેમની તાજેતરની મુંબઈ મુલાકાત દરમિયાન રાજકીય જવાબદારીઓમાંથી રાજીનામું આપવાની ઈચ્છા વિશે જણાવ્યું હતું.


રાજ્યપાલ કોશ્યારીએ તેમનું બાકીનું જીવન વાંચન, લેખન અને અન્ય મનોરંજન પ્રવૃત્તિઓમાં વિતાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે તેમ રાજભવન દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે. મીડિયાને આપેલા નિવેદનમાં કોશ્યારીએ કહ્યું હતું કે, મારા માટે સંતો, સમાજ સુધારકો અને બહાદુર લડવૈયાઓની ભૂમિ - મહારાષ્ટ્ર જેવા મહાન રાજ્યના રાજ્ય સેવક કે રાજ્યપાલ તરીકે સેવા આપવી એ મારા માટે સંપૂર્ણ સન્માન અને સૌભાગ્યની વાત છે.