Shiv Sena On Ajit Pawar Row: NCPના વરિષ્ઠ નેતા અજિત પવારના BJPમાં જવાની અટકળો બાદ મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. હવે આ મામલે શિવસેના (એકનાથ શિંદે જૂથ) દ્વારા પણ મોટું નિવેદન આપવામાં આવ્યું છે. શિવસેનાના પ્રવક્તા સંજય શિરસાટે કહ્યું હતું કે, જો અજિત પવાર એનસીપીના નેતાઓના જૂથ સાથે ભાજપ સાથે હાથ મિલાવશે તો મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારનો ભાગ નહીં બને.

સંજય શિરસાટે મુંબઈમાં કહ્યું હતું કે, તેમને લાગે છે કે NCP સીધો ભાજપ સાથે હાથ ના મિલાવે. મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેના નેતૃત્વમાં શિવસેના અને ભાજપની ગઠબંધન સરકાર છે. શિરસાટે કહ્યું હતું કે, અમારી રણનીતિ સ્પષ્ટ છે. એનસીપી એવી પાર્ટી છે જે છેતરપિંડી કરે છે. અમે તેમની સાથે મળીને શાસન કરી શકીએ નહીં. જો ભાજપ એનસીપી સાથે જાય તો મહારાષ્ટ્રને નહીં ગમે. અમે (ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેનામાંથી) બહાર નીકળવાનું નક્કી કર્યું કારણ કે લોકોને અમારું કોંગ્રેસ અને એનસીપી સાથે રહેવાનું પસંદ ન હતું.

"તમે એકલા આવો તો તમારું સ્વાગત છે"

શિરસાટે કહ્યું હતું કે, અજિત પવારે કંઈ કહ્યું નથી. તેનો અર્થ એ છે કે તે NCPમાં રહેવા નથી માંગતા. શિવસેનાના નેતાએ કહ્યું હતું કે, અમે કોંગ્રેસ અને એનસીપી છોડી દીધી કારણ કે અમે તેમની સાથે રહેવા નહોતા માંગતા. અજિત પવારને ત્યાં સંપૂર્ણ સ્વતંત્રતા નથી. તેથી જો તે NCP છોડશે તો અમે તેમનું સ્વાગત કરીશું. પરંતુ જો તેઓ એનસીપીના અન્ય નેતાઓ સાથે આવશે તો અમે સરકારનો ભાગ નહીં બનીએ.

"પુત્રની ચૂંટણીમાં હારથી ગુસ્સે"

શિવસેનાના પ્રવક્તાએ કહ્યું હતું કે, અજિત પવાર તેમના પુત્ર પાર્થ પવારની હારથી નારાજ છે. તેમની નારાજગીને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ શિવસેનાના 16 ધારાસભ્યોની ગેરલાયકાતની અરજીના કેસ સાથે કોઈ લેવાદેવા નથી. પાર્થ પવારને 2019ની લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રના માવલ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો હતો.

શિરસાતને તાજેતરમાં એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, અજિત પવારના સંપર્કમાં ન રહેવું એ નવી વાત નથી, પરંતુ તેમની નારાજગી, જે મીડિયા દ્વારા બતાવવામાં આવી રહી છે, તેને અમારા કેસ (સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ) સાથે કોઈ લેવાદેવા નથી. પુત્ર પાર્થ પવારની હારથી અજિત પવાર નારાજ છે.

2019ના શપથ ગ્રહણ સમારોહનો ઉલ્લેખ કર્યો

તેમણે કહ્યું હતું કે, નવેમ્બર 2019માં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહ માટે અજિત પવારને જવાબદાર ગણવામાં આવ્યા હતા, જેમાં દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. અઢી વર્ષ પછી શરદ પવારે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ શાસન હટાવવાનો આ એક પ્રયોગ હતો. અજિત પવારે આજ સુધી આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. નવેમ્બર 2019માં ગુપ્ત રીતે રચાયેલી દેવેન્દ્ર ફડણવીસ-અજિત પવાર સરકાર માત્ર ત્રણ દિવસ જ ચાલી શકી હતી.

અજિત પવારે આ અટકળોને ફગાવી દીધી હતી

શિરસાટે કહ્યું હતુ કે, અજિત પવાર મોટા નેતા છે અને તેમના મનમાં શું ચાલી રહ્યું છે તે તેઓ સરળતાથી કહી શકતા નથી. ભાજપ છોડવાની અફવાઓને ફગાવતા અજિત પવારે કહ્યું છે કે, જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી હું મારી પાર્ટી માટે કામ કરતો રહીશ. એનસીપીમાં મતભેદો અને ભાજપ સાથે હાથ મિલાવવાના સમાચારમાં કોઈ સત્યતા નથી. અમે બધા (પાર્ટીના ધારાસભ્યો) NCP સાથે છીએ.