ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, શનિવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જિલ્લા કલેકટરો સાથે મીટિંગ કરી હતી અને કહ્યું જો તમને કોરોના રોકાય તેમ લાગતું હોય તો કોઈપણના પણ દબાણમાં આવ્યા વગર જરૂર લાગે ત્યાં લોકડાઉન લગાવો. કોઈનો વિરોધ અથવા સમર્થનને જોઈ લોકડાઉનનો નિર્ણય ન કરવો જોઈએ.
ઠાકરેએ કહ્યું, તંત્રની તમામ એજન્સીએ સાથે મળીને કામ કરવાનું છે. રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે ગાઇડલાઇન બહાર પાડવામાં આવે છે અને તેનું આપણી સગવડતા મુજબ અર્થઘટન ન થવું જોઈએ. કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશને તેમના વિસ્તારોમાં લોકડાઉન લગાવી દીધું છે. પરંતુ આ સમયનો ઉપયોગ દર્દીઓ તથા તેમના સંપર્કમાં આવેલા લોકોને શોધી, સારવાર આપીને મત્યુદર ઘટાડવા માટે થવો જોઈએ. શહેરોમાંથી ગામડામાં સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારી રાખવી જોઈએ.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 3,27,031 પર પહોંચી છે. 12,276 લોકોના મોત થયા છે. જ્યારે 1,82,217 લોકો સાજા થઈ ગયા છે અને 1,32,538 એક્ટિવ કેસ છે.