શાહપુરના એનસીપી ધારાસભ્ય દૌલત દરોડા શનિવારે સવારે મુંબઈ રાજભવન પહોંચ્યા બાદ ગુમ થઈ ગયા છે. એક અધિકારીએ જણાવ્યું કે દરોડા શુક્રવારે રાતે પોતાના પુત્ર સાથે પોતાના મત વિસ્તારમાં ગયા હતા અને મુંબઈ પહોંચ્યા બાદ ગાયબ થઈ ગયા છે. તેમણે કહ્યું કે પૂર્વ ધારાસભ્ય પાંડુરંગ બરોરાએ શાહપુર પોલીસ સ્ટેશમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી છે.
એનસીપીના વરિષ્ઠ નેતા અને પ્રવક્તા નવાબ મલિકે શનિવારે સાંજે કહ્યું હતું કે પાર્ટીના માત્ર પાંચ ધારાસભ્ય સંપર્કમાં નથી. આજે સવારે 11થી 12 જેટલા ધારાસભ્યોએ અજિત પવાર સાથે રાજભવન ગયા હતા જેમાંથી સાત ધારાસભ્યોએ સાંજ સુધીમાં શરદ પવાર સાથે વફાદારી દર્શાવી છે.
શરદ પવારના ભત્રીજા અને એનસીપી નેતા અજિત પવારે પાર્ટી સાથે બગાવત કરી કેટલાક ધારાસભ્ય સાથે ભાજપને સમર્થન આપી દેતા રાજકીય ઉથલપાથલ મચી જવા પામી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસના મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપ સરકાર સાથે કેટલા ધારાસભ્યો છે ? મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા સભ્યોમાં ભાજપ 105, શિવસેના 56, એનસીપી 54 અને કૉંગ્રેસના 44 ધારાસભ્ય છે. બહુમતનો આંકડો 145 છે.