મુંબઈઃ દેશમાં કોરોનાનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે. દેશમાં કોરોનો સૌથી વધુ પ્રકોપ મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6 લાખને પાર કરી ગઈ છે.


મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ, આજે રાજ્યમાં 8,493 નવો કોવિડ-19 કેસ નોંધાયા હતા અને 228 લોકોના મોત થયા હતા. જ્યારે 11,391 લોકોને ડિસ્ચાર્જ કરાયા હતા. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 6,04,358 પર પહોંચી છે, જેમાંથી 4,28,514 લોકો સાજા થઈ ગયા છે અને 20,265 લોકોના મોત થયા છે. રાજ્યમાં હાલ 1,55,268 એક્ટિવ કેસ છે.



મહારાષ્ટ્રમાં કોરોનાના વધી રહેલા કેસને લઈ રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમા કહ્યું કે, રાજ્યમાં લોકડાઉન હટાવવાની પ્રક્રિયા તબક્કાવાર લાગુ કરવામાં આવશે. તેમણે કહ્યું, રાજ્યમા સંક્રમણની બીજી લહેર આવે તેમ હું નથી ઈચ્છતો. મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકડાઉન 31 ઓગસ્ટ સુધી લંબાવ્યું છે.

ઠાકરેએ ડોક્ટરોની એક ટીમ સાથે વીડિયો કોન્ફરન્સમાં કહ્યું, લોકડાઉનમાંથી કયારે બહાર આવવું છે તેના કરતાં લકોડાઉન કેવી રીતે હટાવવું તે મહત્વપૂર્ણ છે. જેમણે લોકડાઉન ઉતાવળમાં હટાવી દીધું હતું તેમણે ફરીથી લગાવવું પડ્યું છે. રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર ન આવવી જોઈએ.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી કુલ સંક્રમિતોની સંખ્યા 26,47,664 પર પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 50,921 થયો છે. દેશમાં હાલ 6,76,900 એક્ટિવ કેસ છે અને 19,19,843 લોકો સાજા થઈ ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ અમેરિકામાં કોરનાથી મૃતકોની સંખ્યાને 50 હજાર સુધી પહોંચવામાં 23 દિવસ લાગ્યા હતા. બ્રાઝીલમાં 95 દિવ અને મેક્સિકોમાં 141 દિવસ લાગ્યા હતા. જ્યારે ભારતમાં 156 દિવસ લાગ્યા છે. મંત્રાલયના કહેવા મુજબ, કોરોના વાયરસ સંક્રમણના કારણે મરનારા લોકોમાંથી 70 ટકા પહેલાથી કોઈ બીમારીથી પીડાતા હતા.