શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ શિવસેના-ભાજપના ગઠબંધન પર કહ્યું કે, અમે સાથે મળીને ચૂંટણી લડીશું અને આ અંગેની ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે. અમે પહેલેથી ગઠબંધન પર નિર્ણય લઇ ચૂક્યા છીએ. અણે ફક્ત બેઠકોના નંબર પર કામ કરી રહ્યા છીએ. સૂત્રોના મતે મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ વચ્ચે બેઠકોની વહેંચણીના ફોર્મુલા પર અંતિમ નિર્ણય લેવાઇ ચૂક્યો છે. ભાજપ રાજ્યમાં 144 અને શિવસેના 126 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે અન્ય સહયોગી દળો માટે 18 બેઠકો રાખવામાં આવી છે.
ભાજપ અને શિવસેનાના ગઠબંધનમાં રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા, રાષ્ટ્રીય સમાજ પાર્ટી, રયત ક્રાંતિ સંગઠન અને શિવસંગ્રામ પાર્ટી પણ સામેલ થશે. સૂત્રોના કહેવા અનુસાર, શિવસેના 50-50 ફોર્મુલા પર અડગ હતી પરંતુ બંન્ને પક્ષોએ ખૂબ ચર્ચા કર્યા બાદ 144 અને 126 અને 18ના ફોર્મુલા પર રાજી થયા હતા. સૂત્રોના મતે આવતીકાલે આ અંગેની સતાવાર જાહેરાત કરવામાં આવી શકે છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકો પર 21 ઓક્ટોબરના રોજ ચૂંટણી થશે.