મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે જે જિલ્લાઓમાં કોવિડ 19 સંક્રમણ દર ઓછો છે ત્યાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખોલવાની માટે મંજૂરી આપી છે.  તેમણે કહ્યું કે પ્રથમ તબક્કામાં મુંબઈ લોકલ ટ્રેનમાં સમાજના દરેક તબક્કાના લોકોને મુસાફરીની મંજૂરી આપવાનું કઠીન હશે કારણ કે પ્રતિબંધોમાં ધીમેધીમે છૂટ આપવામાં આવી રહી છે.  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ આજે સાંગલીમાં પત્રકાર પરિષદને સંબોધતી વખતે આ માહિતી આપી હતી. હાલમાં દુકાનોને સવારે 7થી સાંજે 4 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી છે. ઓછા સમય માટે દુકાનો ખોલવાને કારણે ભીડ વધવાની ફરિયાદ હતી. 


રાજ્યમાં દુકાનો રાત્રે 8 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ મંજુરી માત્ર તે જ જિલ્લાઓ માટે છે, જ્યાં કોરોનાનું સંક્રમણ ઓછું છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યાં કોરોનાનું વધુ સંક્રમણ છે ત્યાં પહેલાની જેમ પ્રતિબંધો અમલમાં રહેશે.


મહારાષ્ટ્રમાં લોકડાઉન સંબંધિત નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. બ્રેક ધ ચેઈન અંતર્ગત રાજ્યના 25 જિલ્લાઓના વેપારીઓ માટે મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. આ 25 જિલ્લામાં રાત્રે 8 વાગ્યા સુધી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ સિવાય શનિવારે બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકાશે. રવિવારે દુકાનો બંધ રહેશે.


મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે સતારા, સાંગલી, કોલ્હાપુર, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ સહિત એવા તમામ જિલ્લામાં કોવિડ 19ની સ્થિતિ ચિંતાજનક છે. તેમણે કહ્યું મે જિલ્લાઅધિકારીઓને કહ્યું કે ટેસ્ટની સંખ્યામાં વધારો કરવામાં આવે, સાથે જ ડૉક્ટરોની સંખ્યાામાં પણ વધારો કરવામાં આવે જેથી કોરોના સામે રક્ષણ મળી શકે. 


તેમણે પ્રાઈવેટ સેક્ટરને અપીલ કરી કે પોતાના કાર્યાલયના સમયને અલગ-અલગ કરે જેથી એક જ સમય પર તેમના પરિસરમાં ઉપસ્થિત લોકોની સંખ્યા ઓછી રહે. સાથે જ લોકો વર્ક ફ્રોમ હોમ અને વર્ક ઈન ઓફિસનો વિકલ્પ પસંદ કરે.


આવશ્યક અને બિનઆવશ્યક વસ્તુઓની દુકાનો (શોપિંગ મોલ સહિત) અઠવાડિયાના સામાન્ય દિવસોમાં સાંજે 8 વાગ્યા સુધી અને શનિવારે બપોરે 3 વાગ્યા સુધી ખુલી રાખી શકાશે. તમામ દુકાનો અને મોલ રવિવારે બંધ રહેશે. સાર્વજનિક બગીચાઓ અને રમતના મેદાન વોકિંગ, જોગિંગ અને સાઇકલિંગના હેતુ માટે ખુલ્લા રાખી શકાશે
તમામ સરકારી અને ખાનગી કચેરીઓ સંપૂર્ણ ક્ષમતા સાથે કાર્યરત થઈ શકે છે.


જિમનેશિયમ, યોગા સેન્ટર, હેર કટિંગ સલુન્સ, બ્યુટી પાર્લર, સ્પા એર-કન્ડિશનર્સનો ઉપયોગ કર્યા વિના અઠવાડિયાના સામાન્ય દિવસોમાં રાત્રે 8 વાગ્યા સુધી અને શનિવારે 3 વાગ્યા સુધી 50 ટકા ક્ષમતા સાથે ખુલા રાખી શકાશે. આ તમામ સેવાઓ રવિવારે બંધ રહેશે.