Maharashtra-Karnataka Border Dispute: મહારાષ્ટ્ર અને કર્ણાટકને લઈને ચાલી રહેલો સીમા વિવાદ અટકવાના બદલે દિન પ્રતિદિન વધારે ઉગ્ર બની રહ્યો છે. આજે મહારાષ્ટ્ર વિધાનસભામાં સરહદને લઈને પસાર કરવામાં આવેલા ઠરાવને લઈને કર્ણાટકના મુખ્યમંત્રીએ હુંકાર ભર્યો હતો. તેમણે પોતાના રાજ્યની એક ઈંચ પણ ના આપવાની વાત કહી હતી. 


સીએમ બસવરાજ બોમાઈએ કર્ણાટક સાથે ચાલી રહેલા સીમા વિવાદને લઈને હારાષ્ટ્ર વિધાનસભામાં પસાર કરાયેલા ઠરાવની ટીકા કરી છે. બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, તેઓ અમને વિભાજિત કરી રહ્યા છે.


મહારાષ્ટ્રના બે ગૃહો (વિધાન સભા અને વિધાન પરિષદ) એ આજે કર્ણાટક અને દક્ષિણના સરહદી વિસ્તારોમાં રહેતા મરાઠી લોકો સાથે વધતા જતા સરહદ વિવાદ વચ્ચે પડોશી રાજ્યના 865 મરાઠી ભાષી ગામોને રાજ્ય સાથે મર્જ કરવા માટે કાયદેસર રીતે આગળ વધવા માટે મતદાન કર્યું હતું. કેન્દ્રને લોકોની સુરક્ષાની બાંયધરી આપવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.


આ મામલે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, તેઓ અમને ઉશ્કેરીને અમને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે તેની નિંદા કરીએ છીએ. રાજ્ય પુનર્ગઠન અધિનિયમ 1956 માં પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી બંને રાજ્યો (મહારાષ્ટ્ર અને કર્ણાટક)ના લોકો સુમેળમાં સાથે રહે છે.


'એક ઇંચ પણ જમીન નહીં દઈએ'


મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્ર રાજનીતિ કરી રહ્યું છે. આ માત્ર નાટક કરી રહ્યાં છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેઓ મહારાષ્ટ્રને એક ઇંચ પણ જમીન નહીં આપે. અમે કન્નડ લોકોના હિતમાં કામ કરવાનું યથાવત રાખીશું. આ ઉપરાંત તેમણે સવાલ કર્યો હતો કે, જ્યારે મામલો સુપ્રીમ કોર્ટમાં છે તો પછી તેઓ ઠરાવ કેમ પસાર કરી રહ્યા છે? અમને કોર્ટમાં વિશ્વાસ છે.


કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, અમારો પ્રસ્તાવ મહારાષ્ટ્રથી અલગ છે. અમે કોઈને જમીન લેવાનું નથી કહ્યું પણ તેઓ અમારી જમીન લેવા માગે છે. આ સમગ્ર મામલે રાજકીય બયાનબાજી શરૂ થઈ ગઈ છે.


શું છે મામલો?


મહારાષ્ટ્ર બેલાગવી પર દાવો કરે છે, જે અગાઉના બોમ્બે પ્રેસિડેન્સીનો ભાગ હતો. કારણ કે ત્યાં મોટી સંખ્યામાં મરાઠી ભાષી લોકો રહે છે. મહારાષ્ટ્ર દ્વારા કર્ણાટકમાં 800થી વધુ મરાઠી ભાષી ગામોનો પણ દાવો કરે છે. કર્ણાટકનું કહેવું છે કે રાજ્ય પુનર્ગઠન અધિનિયમ અને 1967 મહાજન કમિશનના અહેવાલ મુજબ ભાષાકીય ધોરણે સીમાંકન કરવામાં આવ્યું હતું, જે અંતિમ છે.