મુંબઈઃ સામાન્ય રીતે બેંકમાં લોન લેવા જઈએ ત્યારે વ્યાજ સહિતની રકમ પરત કરવાની હોય છે. પરંતુ મહારાષ્ટ્રના એક વ્યક્તિએ અનોખી બેંક શરૂ કરી છે. જેમાં લોનમાં બકરી આપવામાં આવે છે અને પરત કરવા માટે 40 મહિનામાં ચાર બચ્ચા આપવાના હોય છે.  મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં સાંગવી મોહાડી ગામના 52 વર્ષીય નરેશ દેશમુખે ગોટ બેંક ઓફ કરખેડાની શરૂઆત જુલાઈ 2018માં કરી હતી.


જેમાં લોન લેવા ઈચ્છુક ખેડૂતે 1200 રૂપિયાનું રજિસ્ટ્રેશન કરાવીને એગ્રીમેન્ટ કરવાનો હોય છે. જે મુજબ  ખેડૂને એક બકરી આપવામાં આવે છે અને તેણે 40 મહિનાની અંદર 4 બચોળિયા પરત કરવાના હોય છે. આર્થિક રીતે નબળાં લોકો અને બકરી પાલનમાં લાગેલી મહિલાઓ પોતાના બાળકોને શિક્ષિત કરી શકે છે અને ધૂમધામથી લગ્ન કરી શકે તે ધ્યાનમાં આવ્યા બાદ આ વિતાર આવ્યો હતો.



બકરી પાલનમાં સામેલ પરિવારો પર અભ્યાસ કર્યા બાદ દેશમુખે બકરી બેંક સ્થાપવાનો નિર્ણય લીધો. આ ક્ષેત્રને સંગઠિત કરવા લોનની યોજના શરૂ કરી. દેશમુખ તેમની બચતમાંથી 40 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ અને 340 બકરી ખરીદી. જે બાદ 340 બકરી પાલકોનું રજિસ્ટ્રેશન કરીને બકરી ફાળવવામાં આવી. આ યોજના અંતર્ગત બકરી પાલન કરનારી મહિલાને લગભઘ 2.50 લાખ રૂપિયાનો લાભ થશે. દેશમુખના આ પગલાની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.