મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદની 6 બેઠકોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. 6 બેઠકોની ચૂંટણીમાં મહાવિકાસ અધાડીને પાંચ બેઠકો પર જીત મળી છે, જ્યારે ભાજપને માત્ર એક બેઠક પર જીત મળી છે.


ભારતીય જનતા પાર્ટીએ ચાર બેઠકો પર ઉમેદવાર ઉતાર્યા હતા અને એક બેઠક પર અપક્ષને સમર્થન આપ્યું હતું. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસે કહ્યું મહારાષ્ટ્ર વિધાનપરિષદ ચૂંટણીના પરિણામો અમારી અપેક્ષા પ્રમાણેના નથી.

મહારાષ્ટ્ર વિધાન પરિષદની 6 બેઠકોની ચૂંટણીમાં ભાજપને તેનો સૌથી મજબૂત ગઢ ગણાતા નાગપુરમાં હારનો સામનો કરવો પડ્યો છે. અહીં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના મેયરને હાર આપી છે. નાગપુર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને ભૂતપુર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો વિસ્તાર છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેંદ્ર ફડણવીસના પિતા ગંગાધર રાવે પણ આ બેઠક પર એક સમયે જીત મેળવી હતી. નાગપુર RSSનો ગઢ પણ રહ્યો છે. જેને લીધે આ બેઠક ભાજપ માટે એક મોટો ઝાટકો માનવામાં આવે છે.

મહારાષ્ટ્ર વિધાન પરિષદની 6 બેઠકોની ચૂંટણીમાં પાંચ પર જીત મેળવ્યા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે કહ્યું વિધાન પરિષદની ચૂંટણીમાં મહાવિકાસ અઘાડીની જીત ગઠબંધન પાર્ટી વચ્ચે એકતાનો પૂરાવો છે.

એનસીપી નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું ચૂંટણી પરિણામ છેલ્લા એક વર્ષમાં મહાવિકાસ અઘાડીના વિકાસ કાર્યો પર મ્હોર મારી દિધી છે. ભારતીય જનતા પાર્ટીએ વાસ્તવિક્તા સ્વીકારવી જોઈએ. વિધાનપરિષદની ચૂંટણી બાદ સત્તા પરિવર્તનનો તેમનો દાવો ખોટો સાબિત થયો છે.