Maharashtra Politics Crisis: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ NCP નેતા અજીત પવારના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા બાદ પ્રથમ નિવેદન આપ્યું છે. અજિત પવારનું સ્વાગત કરતાં મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે સરકારને હવે ટ્રિપલ એન્જિન મળી ગયું છે. હવે સરકાર બુલેટ ટ્રેનની ઝડપે દોડશે. મોદીજીના નેતૃત્વમાં સરકાર ચાલી રહી છે. અજિત પવારના અનુભવનો ફાયદો થશે. 






મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું,  કેબિનેટમાં બેઠકોની વહેંચણી પર ચર્ચા કરવા માટે પૂરતો સમય છે. અમે મહારાષ્ટ્રના વિકાસ માટે એકસાથે આવ્યા છીએ. લોકસભા ચૂંટણીમાં વિપક્ષને 4-5 બેઠકો મળી હતી પરંતુ આ વખતે તેઓ તે પણ કરવામાં સફળ નહી થાય. વિપક્ષને એટલી બેઠકો મળવી પણ મુશ્કલે છે.  





મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. NCP નેતા અજિત પવાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા છે, જ્યારે NCP નેતા છગન ભુજબળે પણ તેમની સાથે મંત્રી તરીકે શપથ લીધા છે. 


છગન ભુજબળ પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય છે. NCP મહારાષ્ટ્રના પ્રથમ અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ અગાઉની મહાવિકાસ આઘાડી સરકારમાં ખાદ્ય અને પુરવઠા મંત્રી હતા. એનસીપીના સ્થાપક સભ્યોમાંના એક છે. 


બીજેપી નેતા સુધીર મુનગંટીવારે કહ્યું કે, આખી એનસીપી સામેલ થઈ રહી છે. જેમાં 40થી વધુ ધારાસભ્યો ભાગ લઈ રહ્યા છે. વળી, શિન્દે સરકારમાં મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું, અમે અજિત પવારનું સ્વાગત કરીએ છીએ. તેમના નિર્ણયનું સ્વાગત છે. શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી એકનાથ શિન્દે અને દેવેન્દ્ર ફડણવીસ સ્ટેજ પર બેઠા હતા.  


અજિત પવારનું આજે વિધિવત રીતે શિંદે ભાજપ સરકારમાં જોડાવાથી એક રીતે ભાજપનો પક્ષ મજબૂત થઈ રહ્યો છે. આવામાં શિંદે જૂથના સમર્થન વિના પણ ભાજપ બહુમતીના આંકડા સુધી પહોંચી રહ્યું છે. હાલમાં સરકાર પાસે 166 ધારાસભ્યોનું સમર્થન છે, જેમાં ભાજપના 125 ધારાસભ્યો અને શિંદે કેમ્પના 40 ધારાસભ્યો છે. જો અજિત પવાર કેમ્પના 30 ધારાસભ્યો ભાજપ સાથે હાથ મિલાવે છે, તો તેની પાસે 156 ધારાસભ્યોનું સમર્થન હશે, જે બહુમતી કરતા 11 વધુ હશે.