મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે અધ્યક્ષ ચૂંટણી યોજાઇ હતી. ભાજપ ગઠબંધનના ઉમેદવાર રાહુલ નાર્વેકરની જીત થઈ છે. રાહુલના સમર્થનમાં 164 મત પડ્યા હતા જ્યારે તેમને જીતવા માટે 145 મતની જરૂર હતી. રાહુલ રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેઓ મહારાષ્ટ્રની કોલાબા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે.






મહારાષ્ટ્ર વિધાનસભાના નવા ચૂંટાયેલા સ્પીકર રાહુલ નાર્વેકરને ભાજપે પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. તેમનો મુકાબલો મહા વિકાસ અઘાડીના રાજન સાલ્વી સામે હતો. ઉલ્લેખનીય છે કે રાહુલ નાર્વેકર મહારાષ્ટ્રના રાજકારણનો જાણીતો ચહેરો છે. રાહુલ નાર્વેકર વ્યવસાયે વકીલ છે. 2019માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં રાહુલ પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા.


રાહુલના પિતા કાઉન્સિલર રહી ચૂક્યા છે


રાહુલ નાર્વેકર શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સાથે પણ જોડાયેલા હતા. રાહુલ શિવસેના યુથ વિંગના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે. રાહુલ નાર્વેકર રાજકીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે. રાહુલના પિતા સુરેશ નાર્વેકર કાઉન્સિલર રહી ચૂક્યા છે. 2014માં રાહુલ નાર્વેકર શિવસેનામાં હતા. તે દરમિયાન તેઓ લોકસભાની ચૂંટણી લડવાનો દાવો રજૂ કરી રહ્યા હતા પરંતુ તેમને ટિકિટ મળી ન હતી.


શિવસેનાએ ટિકિટ માટે ઇનકાર કર્યા બાદ રાહુલ નાર્વેકર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં જોડાયા હતા. એનસીપીએ માવલ લોકસભા સીટ પરથી રાહુલ નાર્વેકરને મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ રાહુલને હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં રાહુલ ભાજપમાં જોડાયા હતા.


અગાઉની MVA સરકારમાં સ્પીકરની ખુરશી ખાલી હતી


નોંધનીય છે કે અગાઉની મહા વિકાસ અઘાડી સરકારમાં કોંગ્રેસના નેતા નાના પટોલેના રાજીનામા બાદ ફેબ્રુઆરી 2021થી મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષનું પદ ખાલી હતું. મહારાષ્ટ્રમાં સરકાર બદલાયા બાદ એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આજથી વિધાનસભાનું સત્ર શરૂ થયું છે. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી બાદ હવે સોમવારે ફ્લોર ટેસ્ટ યોજાનાર છે.