મુંબઈઃ મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડી (Maha Vikas Aghadi) સરકાર નવી મુસીબતમાં મુકાઈ શકે છે. NCP નેતા નવાબ મલિકે (Nawab Malik) કહ્યું કે, ગૃહ મંત્રી અનિલ દેશમુખ (Anil Dehmukh) રાજીનામું આપશે. દેશમુખ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને રાજીનામું આપવા ગયા છે. અનિલ દેશમુખ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના (એનસીપી) ક્વોટાથી ગૃહ પ્રધાન હતા. દેશમુખ રાજ્યપાલને બદલે મુખ્ય પ્રધાનને રાજીનામું આપશે.


આજે બોમ્બે હાઈકોર્ટે સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. આ નિર્ણય હાઇકોર્ટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની પીઆઈએલ પર આપ્યો છે. પરમબીરસિંહે અનિલ દેશમુખ ઉપર ખંડણી માટે ટાર્ગેટ આપવાનો આરોપ લગાવ્યો હતો અને આ સંદર્ભમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી. પરમબીર સિંહના આરોપો બાદ અનિલ દેશમુખના રાજીનામાની માંગ ઉઠી હતી. હવે હાઈકોર્ટના ફેંસલા બાદ તેમણે રાજીનામું આપ્યું છે.



મહારાષ્ટ્રમાં રવિવારે અત્યાર સુધીના સૌથી વધારે રેકોર્ડબ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 57 હજાર 74 નવા કેસ નોંધાયા છે. જ્યારે આ મહામારીના કારણે વધુ 222 લોકોના મોત થયા છે. કોરોનાથી રવિવારે 27 હજાર 508 લોકો સ્વસ્થ થયા છે. કોરોના સંક્રમણના નવા કેસ આવ્યા બાદ મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 30 લાખ 10 હજાક 597 થઈ ગઈ છે. જ્યારે સક્રિય કેસની સંખ્યા 4 લાખ 30 હજાર 503 થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના કારણે 55 હજાર 878 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધીને 25 લાખ 22 હજાર 823 પર પહોંચી છે.


મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને લઈ રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે ઘણા મહત્વના નિર્ણયો કર્યા હતા. રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ સિવાય દિવસભર કલમ 144 લાગુ રહેશે. એક જગ્યા પર પાંચથી વધારે લોકો એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સૂત્રોની જાણકારી મુજબ, શનિવારે અને રવિવારે રાજ્યમાં લોકડાઉન લાગુ રહેશે. આ તમામ નિયમો સોમવારે રાત્રે 8 વાગ્યાથી લાગુ થશે.