દેશમાં કોરોના વિરૂદ્ધ દરેક વ્યક્તિ પોતાની રીતે જંગ લડી રહી છે પરંતુ મધ્ય પ્રદેશના સાગરમાં એક એવી મહિલા છે જેમણે સાબિત કર્યું ચે કે જો ઇરાદા મજબૂત હોય તો મોટી ઉંમર પણ કંઈ કરી ન શકે. વાત થઈ રહી છે તુલસા બાઈની જેઓ 118 વર્ષના છે. તેમ છતાં મજબૂત ઇરાદાના કારણે તેઓ રસી સેન્ટર ગયા અને ત્યાં જઈને માત્ર કોરોનાની રસીનો પ્રથમ ડોઝ જ લીધો પણ સાથે સાથે લોકોને રસી લેવા માટે મનોબળ પણ પૂરું પાડ્યું.
દેશમાં હાલમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે જેના કારણે અત્યાર સુધીમાં કરોડો વૃદ્ધ લોકોએ રસી લીધી છે પરંતુ મધ્ય પ્રદેશના સાગરમાં જ્યારે તુલસાબાઈ જેવા બહાદુર વૃદ્ધ મહિલાએ રસી લીધી ત્યારે તેમના ચહેરા પર સ્મિત અને જોશ જોવા જેવો હતો. આ ઉમરે પણ જે જુસ્સા સાથે તુલસાબાઈ લોકોને અપીલ કરી રહ્યા છે તેમના આ જુસ્સાને સલામ છે.
તુલસાબાઇએ આપ્યો મેસેજ
કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ તુલસાબાઈએ રસી સેન્ટર બહાર નીકળીને બુંદેલખંડી ભાષામાં લોકોને રસી લેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ‘મેં રસી લીધી જેથી હું સારું અનુભવી રહી છું. તમે પણ રસી લો, કોઇ ચિંતા નથી.’ આજે તુલસાબાઈની આ બહાદુરીના સમગ્ર દેશ વખાણ કરી રહ્યા છે. તેઓ જ્યારે રસી સેન્ટર પહોંચ્યા ત્યારે તેમના આધાર કાર્ડથી તેમની ઉંમરનો ખુલાસો થઈ શક્યો. તેમના આધાર કાર્ડમાં તેમની જન્મ તારીખ 1 જાન્યુઆરી 1903 લખેલ હતી જે અનુસાર તેઓ 118 વર્ષના છે.
સાડા સાત કરોડ લોકોએ લીધી રસી
દેશમાં અત્યાર સુધીમાં સાડા સાત કરોડથી વધારે રસી આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 7 કોરડ 59 લાખ 79 હજાર 654 ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 6 કરોડ 57 લાખ 39 હજાર 470 પ્રથમ ડોઝ અને 1 કરોડ 2 લાખ 40 હજાર 181 બીજો ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વિરૂદ્ધની લડાઈમાં સાવચેતી રાખવી જેટલી જરૂરી છે તેટલું જ જરૂરી રસી લેવાનું પણ છે.