સુરતઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ચૂંટણી પછી મંત્રી એકનાથ શિંદેની આગેવાનીમાં શિવસેનાના 30 ધારાસભ્યો ગુજરાતની હોટલમાં રોકાયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સુરતની લા મેરિડિયન ખાનગી હોટલમાં રોકાયા છે. મહારાષ્ટ્ર વિધાન પરિષદની ચૂંટણીમાં ભાજપનો પાંચમો ઉમેદવાર જીત્યો તેમાં શિવસેના સહિતના સત્તાધારી પક્ષના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું હોવાની આશંકા છે. 


સૂત્રોના કહેવા પ્રમાણે બીજેપી એકનાથ શિંદેના ફેંસલાની રાહ જોઈ રહી છે. એકનાથ શિંદેના દાવા પ્રમાણે, તેમની પાસે જેટલા ધારાસભ્યો છે તેમને તોડવામાં સફળત રહેશે તો જ ભાજપ પત્તુ ખોલશે. સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસ હાલમાં એનસીપીથી ખુશ નથી, તેના કારણે ત્યાં કોઈ હલચલ નથી. કોંગ્રેસે તેમના મંત્રી વિશ્વજીત કદમને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે વાતચીત કરવા મોકલ્યા છે.






મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો વચ્ચે ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. અમિત શાહ અને જેપી નડ્ડા વચ્ચે પણ મુલાકાત થઈ છે. મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે કોંગ્રેસે પોતાના તમામ ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં દિલ્હી પહોંચી જશે.






ધારાસભ્ય નીતિન દેશમુખને આજે સવારે 4:00 સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તબિયત બગડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સ્પેશ્યિલ રૂમ નંબર 15માં સારવાર હેઠળ છે. નવી સિવિલ હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.  મીડિયાને રૂમ સુધી જતા રોકવામાં આવ્યા છે.






શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે મેં સાંભળ્યું છે કે અમારા ધારાસભ્યો ગુજરાતના સુરતમાં છે. તેઓ ચોક્કસપણે પાછા આવશે. કારણ કે તેઓ બધા શિવસેનાને સમર્પિત છે. મને ખાતરી છે કે અમારા તમામ ધારાસભ્યો પાછા ફરશે અને બધું સારું થઈ જશે. સંજય રાઉતે કહ્યું કે મહારાષ્ટ્રમાં કોઈ રાજકીય ભૂકંપ આવવાનો નથી. બધું સારું થઇ જશે.