Maharashtra Floor Test: મહારાષ્ટ્રના રાજ્યપાલે 30 જૂનના રોજ ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ આપ્યા બાદ શિવસેનાએ સુપ્રીમ કોર્ટેમાં અરજી કરી હતી. આ અરજી પર આજે સાંજે સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીમાં રાત્રે 9 વાગ્યે ચુકાદો આવ્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ફ્લોર ટેસ્ટ કરવાની મંજૂરી આપી છે. આમ હવે આવતીકાલે ફ્લોર ટેસ્ટ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં આ સમગ્ર મામલામાં શિવસેના તરફથી અભિષેક મનુ સિંઘવીને દલીલો કરી હતી. જ્યારે શિંદે જૂથ તરફથી નીરજ કિશન કૌલે કોર્ટમાં દલીલો કરી હતી. સુનાવણી દરમિયાન અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, તેમને આજે જ ફ્લોર ટેસ્ટ વિશે જાણકારી મળી. જ્યાં સુધી ધારાસભ્યોની ચકાસણી નહીં થાય ત્યાં સુધી ફ્લોર ટેસ્ટ થઈ શકશે નહીં.


પરંતુ અભિષેક મનુ સિંઘવીની દલીલ પર સુપ્રીમ કોર્ટે પ્રશ્ન પૂછ્યો હતો કે શું ફ્લોર ટેસ્ટ માટે કોઈ ન્યૂનતમ સમય છે? શું બંધારણમાં એવું લખ્યું છે કે ફ્લોર ટેસ્ટ થાય તો સરકાર બદલાય તો ફરી ફ્લોર ટેસ્ટ ન થઈ શકે? કોર્ટે એવો સવાલ પણ પૂછ્યો હતો કે, જો સ્થિતિ બદલાય તો શું 10 કે 15 દિવસમાં ફરીથી બહુમતી પરીક્ષણ ન થઈ શકે? બંધારણમાં આ અંગે શું જોગવાઈ છે? તેના પર સિંઘવીએ કહ્યું કે, ફ્લોર ટેસ્ટ બહુમત જાણવા માટે થાય છે. કોણ વોટ આપવા લાયક છે અને કોણ નથી તેની અવગણના કરી શકાય નહીં. ત્યારે આ બધી દલિલો બાદ સુપ્રીમ કોર્ટના જજે આવતીકાલે ફ્લોર ટેસ્ટ કરવાનો રાજ્યપાલનો નિર્ણય યોગ્ય ઠેરવ્યો હતો.






એકનાથ શિંદેના વકીલે શું કરી દલીલઃ
એકનાથ શિંદેના વકીલ નીરજ કિશન કૌલે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે ખુદ સ્પીકરની સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવે છે, ત્યારે તેઓ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાની વાત સાંભળી શકતા નથી. ફ્લોર ટેસ્ટ ક્યારેય મુલતવી ન રાખવો જોઈએ. હોર્સ ટ્રેડિંગથી બચવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. બીજી બાજુ એવું કહેવામાં આવી રહ્યું છે કે જો આ ધારાસભ્યોને બાદમાં ગેરલાયક ઠેરવવામાં આવશે તો ફરીથી ફ્લોર ટેસ્ટની જરૂર પડશે. પરંતુ અમારું કહેવું છે કે, અયોગ્યતાનો મુદ્દો પેન્ડિંગ હોવાથી ફ્લોર ટેસ્ટ મોકૂફ રાખી શકાય નહીં.


સુપ્રીમ કોર્ટે આ સવાલ કર્યાઃ
જસ્ટિસે એકનાથ શિંદેના વકીલને પૂછ્યું કે કેટલા ધારાસભ્યોએ સરકાર છોડી દીધી છે. આના પર કૌલે કહ્યું કે 55માંથી 39 છે. તેથી જ મુખ્યમંત્રી ફ્લોર ટેસ્ટ ટાળી રહ્યા છે. પછી ન્યાયાધીશે પૂછ્યું કે કેટલાને ગેરલાયકની નોટિસ આપવામાં આવી છે. આ અંગે કૌલે કહ્યું કે 16ને નોટિસ આપવામાં આવી છે. સાથે જ તેમણે કહ્યું કે અમે શિવસેના છોડી રહ્યા નથી. અમે શિવસેના છીએ.