Operation Lotus: મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ ભાજપનું ઓપરેશન લોટસ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. અહીં શિવસેનાના મંત્રી એકનાથ શિંદે બળવા પર ઉતરી આવ્યા છે અને સુરતથી ગુવાહાટીમાં ઘણા ધારાસભ્યો સાથે પડાવ નાંખ્યો છે. મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસ શરૂ કરવામાં આવ્યું છે કે કેમ તેની ચર્ચા થઈ રહી છે. વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર આરોપ લગાવી રહી છે કે તેણે ઓપરેશન લોટસ હેઠળ ઘણા રાજ્યોમાં સરકાર બનાવી છે. તો ચાલો જાણીએ કે તેની શરૂઆત ક્યાંથી થઈ, ક્યારે અને ક્યાં તેનો ઉપયોગ સરકાર બનાવવા માટે થયો.


ઓપરેશન લોટસ સૌથી પહેલા વર્ષ 2004માં ચર્ચામાં આવ્યું હતું. તે સમયે બીજેપીએ કર્ણાટકમા ધરમસિંહની સરકાર પાડવાનીકોશિશ કરી હતી. ત્યારે વિપક્ષે તને ઓપરેશન નામ આપ્યું હતું. જે બાદ 2008માં આ ઓપરેશન અંતર્ગત બીજેપીએ કર્ણાટકમાં સરકાર બનાવી. અહીંયાથી ઓપરેશન લોટસની શરૂઆત થઈ હોવાનું કહેવાય છે.


2014માં કેન્દ્રમા બીજેપી સરકાર આવ્યા બાદ ઓપરેશન લોટસ અંતર્ગત ઓપરેશન લોટસ અંતર્ગત એક બાદ એક રાજ્યમાં સરકાર હલી ગઈ હતી. કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગોવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, અરૂણચલ પ્રદેશ, મણિપુર અને ઉત્તરાખંડ એવા રાજ્યો છે, જ્યાં બીજેપીએ કમળ ખીલવ્યું અથવા કોશિશ કરવા છતાં સરકાર ન બનાવી શકી.


મહારાષ્ટ્ર


મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. શિવસેના સાથેના અણબનાવ બાદ તે પોતાની સરકાર બચાવી શકી ન હતી અને શિવસેનાના નેતૃત્વમાં મહાગઠબંધને સરકાર બનાવી હતી. અહીં ભાજપે સરકાર બનાવવા માટે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ તેમાં સફળતા મળી ન હતી. પરંતુ તાજેતરમાં રાજ્યસભા અને MLCની ચૂંટણી બાદ ભાજપ ફરી એકવાર સક્રિય થઈ ગયું છે અને અહીં ફરીથી સરકાર બનાવવાના પ્રયાસો ચાલુ છે. આથી અહીં ભાજપનું ઓપરેશન લોટસ ફરી સક્રિય થયું હોવાનું કહેવાય છે. વિરોધ પક્ષો આવા આક્ષેપો કરી રહ્યા છે.


કર્ણાટક


વર્ષ 2018માં કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી પરંતુ સરકાર બનાવવાનું સપનું પૂરું કરી શકી નહોતી. ત્યારે જેડીએસ અને કોંગ્રેસે ભાજપ પર તેમના ધારાસભ્યોને તોડવાનો આરોપ લગાવ્યો હતો. આરોપો લગાવ્યાના એક વર્ષ પછી, આ બંને પક્ષોના ઘણા ધારાસભ્યોએ એકસાથે રાજીનામું આપ્યું, જેના કારણે કુમારસ્વામીની સરકાર પડી. આ તકનો ફાયદો ઉઠાવીને ભાજપે કર્ણાટકમાં પોતાની સરકાર બનાવી. આ પછી વિપક્ષે ભાજપ પર ઓપરેશન લોટસ ચલાવવાનો આરોપ લગાવ્યો.


મધ્યપ્રદેશ


વર્ષ 2018માં મધ્યપ્રદેશમાં કંઈક આવું જ બન્યું હતું. અહીં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 15 વર્ષ બાદ કોંગ્રેસને સત્તામાં પાછા આવવાનો મોકો મળ્યો અને કમલનાથ મુખ્યમંત્રી બન્યા. આ પછી કોંગ્રેસને જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવાનો સામનો કરવો પડ્યો હતો. ભાજપે આ વાતનો ફાયદો ઉઠાવ્યો અને ઓપરેશન લોટસ હેઠળ સિંધિયા જૂથના 22 ધારાસભ્યોને પોતાની તરફ ખેંચ્યા. કોંગ્રેસની સરકાર પડી અને ભાજપને સરકાર બનાવવાનો મોકો મળ્યો.


મણિપુર


2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. કોંગ્રેસે 28 બેઠકો જીતી જ્યારે ભાજપ 21 પરંતુ કોંગ્રેસ પણ મણિપુરમાં બળવોનો શિકાર બની અને ભાજપે નાગા પીપલ્સ ફ્રન્ટ પાર્ટી અને નેશનલ પીપલ્સ પાર્ટી અને લોક જનશક્તિ પાર્ટી સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી.


ગોવા


વર્ષ 2017માં જ કોંગ્રેસ ગોવામાં પણ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ અહીં ફરી કોંગ્રેસ સરકાર બનાવવામાં નિષ્ફળ રહી હતી. અહીં પણ ભાજપ પર ઓપરેશન લોટસનો આરોપ લાગ્યો હતો અને કોંગ્રેસના 10 ધારાસભ્યોએ એક સાથે રાજ્યપાલને રાજીનામું આપી દીધું હતું અને ભાજપ સત્તામાં પરત ફર્યું હતું.


રાજસ્થાનમાં પણ આક્ષેપો કર્યા હતા


રાજસ્થાનમાં સરકાર બની ત્યારથી પાયલોટ અને ગેહલોત વચ્ચેનો સંઘર્ષ જાહેરમાં અનેકવાર સામે આવ્યો છે.મધ્યપ્રદેશની તર્જ પર રાજસ્થાનમાં પણ સચિન પાયલટની નારાજગીનો લાભ લેવાના અનેક પ્રયાસો થયા હતા, પરંતુ આ પ્રયત્નો સફળ ન થયા. રાજકીય ઘટનાક્રમમાં, સચિન પાયલટ પાર્ટીથી નારાજગીને કારણે પોતાના 30 ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા. બીજેપી તકનો ફાયદો ઉઠાવવા માંગતી હતી, પરંતુ મધ્યપ્રદેશની ઘટનાથી શીખીને કોંગ્રેસ હાઈકમાન્ડે સચિન પાયલટને વિલંબ કર્યા વિના સમજાવ્યા અને તેમની નારાજગી દૂર કરી. જેના કારણે રાજસ્થાનમાં ભાજપ સરકાર બનાવી શકી નહીં. અહીં શાસક પક્ષે ભાજપનું ઓપરેશન લોટસ નિષ્ફળ બનાવ્યું.


ઉત્તરાખંડ


2016માં ઉત્તરાખંડમાં કોંગ્રેસ સરકાર નવ ધારાસભ્યોના બળવોમાં ફસાઈ ગઈ હતી. આ ધારાસભ્યો સામે સ્પીકરે વિધાનસભાને ગેરલાયક ઠેરવી હતી.આ પછી કોંગ્રેસ સરકારને બરખાસ્ત કરી દેવામાં આવી હતી અને ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. ત્યારે કોંગ્રેસે બળવા પાછળ ભાજપનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. બળવાખોર ધારાસભ્યો બાદમાં ભાજપમાં જોડાયા હતા.


અરુણાચલ પ્રદેશ


અરુણાચલ પ્રદેશમાં પણ 2016માં કોંગ્રેસના ધારાસભ્યો ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાં ગયા બાદ સત્તામાં પરિવર્તન આવ્યું હતું. આમાં કોંગ્રેસના 42 ધારાસભ્યો ભાજપના નેતૃત્વવાળી ગઠબંધન પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (PPA)માં જોડાયા હતા.