Nasik Schools And Colleges Shut After Heavy Rainfall: મહારાષ્ટ્રના નાસિક શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે મંગળવારે શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી હતી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું હતું.  મંગળવારે સવારે 8.30 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન શહેરમાં 97.4 મીમી વરસાદ નોંધાયો હતો, પરંતુ બાદમાં વરસાદ બંધ થઈ ગયો, જેના કારણે રહેવાસીઓને થોડી રાહત થઈ.


સોમવારે જિલ્લાના સપ્તશ્રૃંગી મંદિર પાસે ભારે વરસાદ પડ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે મંદિરના પગથિયાં પર પૂર દરમિયાન છ શ્રદ્ધાળુઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂરને કારણે ઘણા ગામના રસ્તાઓ પ્રભાવિત થયા છે.


14મી જુલાઈ સુધી રેડ એલર્ટ


ભારતીય હવામાન વિભાગે આ ઉત્તર મહારાષ્ટ્ર જિલ્લા માટે 11 થી 14 જુલાઈ દરમિયાન ખૂબ જ ભારે વરસાદની આગાહી સાથે 'રેડ એલર્ટ' જારી કર્યું છે. જિલ્લા કલેક્ટર કચેરીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, "આજે કોલેજો અને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય સાવચેતીના પગલા તરીકે લેવામાં આવ્યો છે. અમે વરસાદની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છીએ." તેમણે કહ્યું કે દુકાન માલિકો અને કેટલાક પૂર પ્રભાવિત વિસ્તારોના રહેવાસીઓને પહેલાથી જ સુરક્ષિત સ્થાનો પર જવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ પણ મદદ માટે નાસિક પહોંચી ગઈ છે. 


ભરુચ જિલ્લામાં બે દિવસ સ્કૂલ કોલેજોમાં રજા જાહેર


રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ અતિભારે વરસાદની સૌરાષ્ટ્ર કચ્છમાં આગાહી  કરવામાં આવી છે. ભરુચમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને પગલે આગામી બે દિવસ સ્કૂલ કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. દ્વારકા, દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં 65 ટકા વરસાદ, સૌરાષ્ટ્ર 94 ટકા વરસાદ નોંધાયો . મહેસાણા, ગાંધીનગર , દાહોદમાં હજુ પણ વરસાદની આગાહી છે.