મુંબઈ: દેશમાં કોરોના વાયરસના કેસમાં ફરી એક વખત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આજે મહારાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે કોરોનાના નવા કેસો 10 હજારથી વધુ આવ્યા છે. રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 11,414 નવા કેસ નોંધાયા છે. જ્યારે 6,013 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. કોરોના સંક્રમણના કારણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 37 લોકોના મોત થયા છે.




મહારાષ્ટ્રમાં 7 માર્ચને રવિવારના દિવસે કોરોનાના નવા 11,141 કેસ સામે આવ્યા, જ્યારે આ સમયગાળામાં કોરોનાના કારણે 38 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે રાજ્યમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 22,19,727 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુઆંક વધીને 52,478 થયો છે. મહારાષ્ટ્રમાં 7 માર્ચે કોરોનાના 6,013 દર્દીઓ સાજા થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા, આ સાથે જ રાજ્યમાં કોરોનાને મ્હાત આપનાર લોકોની સંખ્યા 20,68,044 થઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના એક્ટીવ કેસો 97,983 થયા છે, જલ્દી જ એક્ટીવ કેસો 1 લાખને પાર જવાની શક્યતા છે. મુંબઈમાં કોરોનાના નવા કેસોની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,360 કેસ સામે આવ્યા છે, જ્યારે આ સમયગાળામાં કોરોનાને કારણે 5 દર્દીઓના મૃત્યુ થયા છે.