મુંબઈઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ભારતમાં મહારાષ્ટ્ર સૌથી વધારે સંક્રમિત રાજ્યોના લિસ્ટમાં ટોપ પર છે. મહારાષ્ટ્રમાં પણ માયાનગરી મુંબઈમાં જ કેસની સંખ્યા સૌથી વધારે છે. મુંબઈમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 77 હજારને વટાવી ગઈ છે, જેને લઈ પોલીસ કમિશ્નરે 15 જુલાઈ સુધી કલમ 144 લાગુ કરી છે.


મુંબઈમાં છેલ્લા થોડા દિવસોથી રોજના 2000 આસપાસ મામલા આવે છે. આ સ્થિતિને જોતા  મુંબઈ પોલીસ કમિશ્નર પ્રણય અશોક દ્વારા કલમ 144 લાદવામાં આવી છે. આદેશ ધાર્મિક સ્થાન પર કેટલીક શરતો સાથે લાગુ થશે.

મુંબઈ પોલીસ તરફથી લોકોને જરૂરી કામની સ્થિતિમાં જ ઘરની બહાર નીકળવાનો આદેશ કર્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.



કલમ 144 શાંતિ જાળવી રાખવા કે કોઈ ઈમરજન્સી સ્થિતિથી બચાવવા માટે લગાવવામાં આવે છે. કોઈપણ પ્રકારની સુરક્ષા, સ્વાસ્થ્ય સંબંધિત ખતરા કે દંગાની આશંકા હોય ત્યાં કલમ 144 લગાવવામાં આવે છે. કલમ લાગુ કરવા માટે જિલ્લા અધિકારી દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવે છે.

કલમ 144ને બે મહિનાથી વધારે સમય સુધી ન લગાવી શકાય. જો રાજ્ય સરકારને લાગે કે વ્યક્તિના જીવનનો ખતરો ટાળવા કે કોઈ દંગાને રોકવા તેની જરૂર છે તો સમયગાળો વધારી શકાય છે. પરંતુ આ સ્થિતિમાં કલમ-144 લાગુ થયાની શરૂઆતની તારીખથી છ મહિનાથી વધારે સમય સુધી ન લગાવી શકાય.