મુંબઈઃ કોરોના વાયરસને લઈ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેની ખુરશી ખતરામાં છે. જેને બચાવવા માટે મહારાષ્ટ્ર કેબિનેટે રાજ્યપાલને તેમના ક્વોટામાંથી ઉદ્ધવ ઠાકરેને વિધાન પરિષદના સભ્ય તરીકે જાહેર કરવાની ભલામણ કરી છે. મહારાષ્ટ્રમાં રાજ્યપાલના ક્વોટાની વિધાન પરિષદની બે સીટો હજુ ખાલી છે.


ઉદ્વવ ઠાકરે હાલ કોઈપણ ગૃહના સભ્ય નથી. બંધારણની કલમ 164(4) મુજબ સીએમ પદ પર બની રહેવા માટે છ મહિનાની અંદર એટલે કે 29 મે, 2020 પહેલા રાજ્ય વિધાનસભાના કોઈપણ ગૃહની સભ્યતા લેવી ફરજિયાત છે. આ સ્થિતિમાં કેબિનેટના સભ્યે રાજ્યપાલને ભલામણ કરી છે. જો રાજયપાલ આ માટે રાજી થઈ જશે તો ઉદ્ધવ ઠાકરેની ખુરશી બચી જશે.

ઉદ્ધવ ઠાકરેએ આજ સુધી કોઈ ચૂંટણી લડી નથી. સીએમની ખુરશી જાળવી રાખવા તેમણે વિધાનસભા કે વિધાન પરિષદના સભ્ય બનવું પડશે, પરંતુ કોરોના વાયરસનો ખતરો અને લોકડાઉનના કારણે એમએલસીની ચૂંટણી હાલ સ્થગિત કરી દેવામાં આવી છે.

રાજ્યપાલ વાળા વિકલ્પ સિવાય ઉદ્ધવ ઠાકરે પાસે બીજો પણ એક વિકલ્પ છે. પરંતુ હાલ તે થોડો મુશ્કેલ લાગી રહ્યો છે. બીજો વિકલ્પ છે કે ઉદ્ધવ ઠાકરે છ મહિનાનો સમય પૂરો થાય તે પહેલા રાજીનામું આપે અને ફરીથી સીએમ પદના શપથ લે. આમ કરવાથી કોઈ પણ ગૃહના સભ્ય બનવા માટે તેમને છ મહિનાનો બીજો સમય મળી જશે. જો ઠાકરે રાજીનામું આપે તો પૂરી કેબિનેટનું રાજીનામું માનવામાં આવશે. જે બાદ ફરીથી કેબિનેટે શપથ લેવા પડે. કોરોના વાયરસને લઈ મહારાષ્ટ્રમાં જે સ્થિતિ છે તેને જોતાં બીજો વિકલ્પ મુશ્કેલ લાગી રહ્યો છે.

સમગ્ર દેશમાં હાલ કોરોના વાયરસના સૌથી વધારે મામલા મહારાષ્ટ્રમાં છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રલાયના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કુલ 1135 મામલા નોંધાયા છે.