Maharashtra Assembly Session: મહારાષ્ટ્રમાં ઘણા દિવસો સુધી ચાલેલા રાજકીય સંકટ બાદ હવે શિંદે જૂથના હાથમાં સત્તા આવી ગઈ છે. ઉદ્ધવ ઠાકરેની સરકાર વિરુદ્ધ બળવો કરનારા તમામ બળવાખોર ધારાસભ્યો પણ મુંબઈ પહોંચી ગયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદે પોતે તેમને લેવા ગોવા પહોંચ્યા હતા. જે બાદ હવે આજથી મહારાષ્ટ્ર વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે. સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. આ પછી સોમવાર, 4 જુલાઈએ એકનાથ શિંદે અને ભાજપ વિધાનસભામાં બહુમત સાબિત કરશે.






ધ્વનિમતથી સ્પીકરની થશે ચૂંટણી


આજે સવારે 11 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે. ભાજપે સ્પીકર માટે રાહુલ નાર્વેકરને જ્યારે મહાવિકાસ અઘાડી તરફથી શિવસેનાના ધારાસભ્ય રાજન સાલ્વીને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સ્પીકરની પસંદગી ધ્વનિ મત દ્વારા કરવામાં આવશે. જો કે, આંકડાઓ જોતા સ્પષ્ટ થાય છે કે અહીં પણ શિંદે જૂથનો જ દબદબો છે.


શિંદે જૂથની તાકાત કેટલી છે?


ભાજપના 106 ધારાસભ્યોના સમર્થન ઉપરાંત શિંદે જૂથે શિવસેનાના લગભગ 40 ધારાસભ્યો, 10 અપક્ષો અને અન્ય ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે, જે 288 સભ્યોના ગૃહમાં બહુમતી માટે જરૂરી 145ના જાદુઈ આંકડા કરતાં વધુ છે. શિંદે જૂથના બળવા પછી મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ 29 જૂનની મોડી રાત્રે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. આ પછી 30 જૂને એકનાથ શિંદેએ મુખ્યમંત્રી અને દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.


વિધાનસભા સત્રમાં હોબાળો થવાની સંભાવના


શિવસેનાના ચીફ વ્હીપ સુનિલ પ્રભુએ વ્હીપ જાહેર કરીને તેના તમામ સભ્યોને ગૃહમાં હાજર રહેવા અને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી માટે શિવસેનાના ઉમેદવાર રાજન સાલ્વીની તરફેણમાં મત આપવા જણાવ્યું હતું. જ્યારે  ભાજપ અને શિંદે જૂથે પણ તમામ ધારાસભ્યોને સમાન સૂચનાઓ આપી છે. જો કે રાજકીય ભૂકંપ બાદ શરૂ થયેલા વિધાનસભા સત્ર દરમિયાન પણ હંગામો જોવા મળી શકે છે.