મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને લઈ રાજ્યની ઉદ્ધવ ઠાકરે સરકારે ઘણા મહત્વના નિર્ણયો કર્યા છે. રવિવાર મંત્રિપરિષદની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો કે રાત્રે 8થી સવારે 7 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ સિવાય દિવસભર કલમ 144 લાગુ રહેશે. એક જગ્યા પર પાંચથી વધારે લોકો એકઠા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સૂત્રોની જાણકારી મુજબ, શનિવારે અને રવિવારે રાજ્યમાં લોકડાઉન લાગુ રહેશે. આ તમામ નિયમો સોમવારે રાત્રે 8 વાગ્યાથી લાગુ થશે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસના કારણે નિયમો લાગુ કરાયા છે. 


મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસો અન્ય રાજ્યોની સરખામણીએ ઘણા વધારે છે. રાજ્યમાં દરરોજ કોરોના આંકડા નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. રાજ્યમાં દરરોજ આંકડા વધતા ફરી એક વાત લોકડાઉનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી ત્યારે વિકેન્ડ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. 


ઉદ્ધવ ઠાકરેએ 2 એપ્રિલે જનતાને સંબોધન કરતાં લોકડાઉન થવાની સંભાવનાને નકારી ન હતી. તેમણે કહ્યું હતું કે લોકો બેદરકાર બની ગયા છે, જાહેર સ્થળોએ ભીડને રોકવા માટે એક-બે દિવસમાં વધુ પ્રતિબંધો લાદવામાં આવશે.



શું ખોલવામાં આવશે, તે બંધ થઈ જશે?



શું ખુલ્લુ રહેશે અને શું બંધ ?


મોલ્સ, રેસ્ટોરાં અને બાર બંધ રાખવાનો નિર્ણય.


મહત્વપૂર્ણ સેવાઓ કાર્યરત રહેશે.


સરકારી કચેરીઓ 50 ટકાની ક્ષમતા સાથે કામ કરશે.


શાકભાજી બજારો બંધ રાખવામાં આવશે નહીં.


શુક્રવારે રાત્રે 8 થી સોમવાર સવાર 7 સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે.


હોટલમાં જમવાની મંજૂરી આપવામાં આવશે નહીં.


સિનેમા હોલ, રમત ગમતનું મેદાન બંધ રહેશે.


રિક્ષા, ટેક્સી અને ટ્રેનો બંધ રહેશે નહીં.


કોઈ પણ સ્થળે પાંચથી વધુ લોકો એકઠા થવા ન જોઈએ. 


મોટી ફિલ્મોના શૂટિંગને મંજૂરી આપવામાં આવશે નહીં.


ઉદ્યોગ સંપૂર્ણ રીતે કાર્યરત રહેશે, કામદારો પર કોઈ પ્રતિબંધ નથી.


જાહેર પરિવહન 50 ટકાની ક્ષમતાથી ચાલશે.


ધાર્મિક સ્થળ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂ


મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ-19ના 49,447 નવા કેસ સામે આવ્યા જે અત્યાર સુધીના એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે. આ સાથે જ રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 29,53,523 થઈ ગઈ છે જ્યારે 277 દર્દીઓના મોત થતાં મૃતકોની સંખ્યા વધીને 55,656 થઈ છે. મુંબઈ શહેરમાં કોવિડ 19ના 9,108 નવા કેસ નોંધાયા છે જે એક જ દિવસમાં સૌથી વધારે છે.