Temple open:7 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઇ રહી છે ત્યારે આ શારદિય નવરાત્રિના પાવન અવસરે ભારતના કેટલાક મુખ્ય મંદિરોના દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલ્લી રહ્યાં છે.
કોરોનાના કેસમાં મોટા પ્રમાણમાં ઘટાડો થઇ રહ્યો છે. બીજી લહેર હવે લગભગ અંતના આરે છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 29,616 નવા કેસ અને 290 સંક્રમિતોના મોત થયા છે.
કોરોનાની ત્રીજી લહેરના ખતરા વચ્ચે રસીકરણના મોરચેથી પણ સારા સમાચાર આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 84,89,29,160 લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી 71,04,051 લોકોને ગઈકાલે રસી આપવામાં આવી હતી. આ સ્થિતિમાં હવે દેશમાં મોટાભાગની સેવા પૂર્વવત થઇ રહી છે. તો દેશના પ્રમુખ મંદિરના દ્વાર પણ હવે દર્શનાર્થીઓ માટે ખુલ્લી રહ્યાં છે.
મહારાષ્ટ્રમાં પણ કોવિડના કેસમાં ઘટાડો થતાં રાજ્ય અનલોક તરફ આગળ વધી રહ્યું છે. લાંબા વિચાર મંથન બાદ હવે મહારાષ્ટ્રમાં 7 ઓક્ટોબરથી મંદિર ખોલવાનો નિર્ણય કરાયો છે. 7 ઓક્ટોબરથી શિરડી અને મુમ્બાદેવી મંદિર દર્શનાર્થીઓ માટે ખોલી દેવાશે.
નવરાત્રિના પહેલા દિવસે એટલે 7 ઓક્ટોબરે મહારાષ્ટ્રના બધા જ મંદિર દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય કરાયો છે. સીએમઓ ઓફિસથી એક નિવેદન જાહેર થયું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યના બધા જ મંદિર 7 ઓક્ટોબરથી દર્શનાર્થીઓ માટે ખોલી દેવાશે પરંતુ કોવિડના નિયમોનું હજું પણ સખતપણે પાલન કરવાનું રહેશે.મંદિરમાં માસ્ક, સેનેટાઇઝર અને સામાજિક અંતર સહિતના દરેક નિયમોનું પાલન કરવું અનિવાર્ય રહેશે.
સ્કૂલ ખોલવાની પણ તૈયારી
મંદિરો સિવાય હવે રાજ્ય સરકારે છઠ્ઠીથી 12 સુધીના ધોરણ માટે સ્કૂલ ખોલાવનો નિર્ણય કર્યો છે. આ ધોરણના ક્લાસ 4 ઓક્ટોબરથી શરૂ થઇ જશે. ગ્રામ્ય વિસ્તારમાં 5થી12 ધોરણ અને શહેરી વિસ્તારમાં 8થી12 ધોરણ માટે શાળા ખોલવામાં આવશે. જો કે શાળામાં પણ કોવિડની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
મહારાષ્ટ્રમાં કોરોના મીટરની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોમાં કેસ ત્રણ હજારથી વધુ નોંધાતા હતા. જો કે પહેલાની તુલનામાં સ્થિતિ હવે સુધરી રહી છે અને ડેથ રેટ પણ ઘટી રહ્યો છે.