Bombay High Court : બોમ્બે હાઈકોર્ટે કિશોરો માટે સહમતિથી સેક્સ કરવા માટેની વય મર્યાદા ઘટાડવાનું સૂચન કર્યું છે. કોર્ટે કહ્યું છે કે, ઘણા દેશોએ કિશોરો માટે સંમતિથી સેક્સ કરવાની ઉંમર ઘટાડી દીધી છે અને હવે સમય આવી ગયો છે કે આપણો દેશ અને સંસદ પણ વિશ્વભરમાં થઈ રહેલી ઘટનાઓથી વાકેફ રહે. જસ્ટિસ ભારતી ડાંગરેની સિંગલ બેન્ચે 10 જુલાઈના રોજ આપેલા આદેશમાં પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઑફેન્સ (POCSO) એક્ટની જોગવાઈઓ હેઠળ ફોજદારી કેસોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરી હતી, જેમાં પીડિતો કિશોરો હોવા અને સહમતિથી સંબંધ બંધાયા હોવાની જાણકારી આપવામાં આવવા છતાંયે આરોપીઓને સજા આપવામાં આવે છે.
બોમ્બે હાઈકોર્ટે આપી સલાહ
બોમ્બે હાઈકોર્ટે કહ્યું હતું કે, જાતીય સ્વાયત્તતામાં ઈચ્છિત જાતીય પ્રવૃત્તિમાં સામેલ થવાનો અધિકાર અને અનિચ્છનીય જાતીય આક્રમણથી સુરક્ષિત થવાનો અધિકાર બંનેનો સમાવેશ થાય છે. જ્યારે કિશોરોના અધિકારોને બંને પાસાઓને માન્યતા આપવામાં આવે ત્યારે જ માનવ લૈંગિક ગૌરવને સંપૂર્ણ રીતે માન આપવામાં આવે છે તે સમજી શકાય છે. વિશેષ અદાલતના ફેબ્રુઆરી 2019ના આદેશને પડકારતી 25 વર્ષીય વ્યક્તિ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર કોર્ટે આ અવલોકન કર્યું હતું. વિશેષ અદાલતે તેને 17 વર્ષની છોકરી પર બળાત્કાર કરવા બદલ દોષિત ઠેરવ્યો હતો.
શું હતો કેસ?
છોકરા અને છોકરીએ દાવો કર્યો હતો કે, તેઓ સહમતિથી સંબંધમાં હતા. યુવતીએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે, મુસ્લિમ કાયદા હેઠળ તેને પુખ્ત ગણવામાં આવે છે અને તેથી તેણે આરોપી વ્યક્તિ સાથે 'નિકાહ' કર્યા છે. જસ્ટિસ ડાંગરેએ દોષિત ઠેરવવાના આદેશને રદ્દ કર્યો હતો અને વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, રેકોર્ડ પરના પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે, આ કેસ સહમતિથી સેક્સનો મામલો બને છે. તેમણે આરોપીને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
અદાલતે સરકાર અને સંસદને આપી સલાહ
હાઈકોર્ટે કહ્યું હતું કે, સંમતિની ઉંમરને લગ્નની ઉંમરથી અલગ પાડવી જોઈએ. કારણ કે, જાતીય કૃત્યો લગ્નના દાયરામાં નથી આવતા અને માત્ર સમાજ જ નહીં પરંતુ ન્યાયિક પ્રણાલીએ પણ આ મહત્વપૂર્ણ પાસા પર ધ્યાન આપવું જોઈએ. જસ્ટિસ ડાંગરેએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે, જ્યારે કિશોર વયે શારીરિક સંબંધ બાંધે છે, ત્યારે શારીરિક આકર્ષણ અથવા મોહનો મુદ્દો હંમેશા સામે આવે છે. જેથી હવે સમય આવી ગયો છે કે, આપણા દેશે પણ વિશ્વભરમાં ઘટી રહેલી ઘટનાઓથી વાકેફ થવું જોઈએ.
આ ઉપરાંત જસ્ટિસ ડાંગરેએ વધુમાં કહ્યું હતું કે, આ સંદર્ભમાં વિશ્વભરમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તેના પર આપણા દેશ પણ ધ્યાન આપવું જરૂરી છે.