મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાન પરિષદની ખાલી પડેલી સીટો માટે તમામ પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. ભાજપે જે ચાર નામો જાહેર કર્યા છે તેને લઈ પાર્ટીમાં આંતરિક વિવાદ ઉભો થયો છે. જે નામ જાહેર થયા તેના પરથી સંગઠનમાં ફડણવીસનો દબદબો કાયમ હોવાનું ખબર પડે છે, બીજી તરફ કેટલા દિગ્ગજ પાર્ટી નેતા નારાજ થઈ ગયા છે.


વિધાનસભામાં દરેક પાર્ટીના જીતેલા ધારાસભ્યોના આંકડા પ્રમાણે બીજેપીને 4 સીટ, શિવસેનાને 2 સીટ, એનસીપીને 2 સીટ અને કોંગ્રેસને 1 સીટ મળી રહી છે. ભાજપના ફાળે આવતી 4 સીટોને લઈ રાજ્યના અનેક દિગ્ગજ નેતાની નજર હતી. આ નેતાને ગત વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવી નહોતી અથવા તો હારી ગયા હતા. તેમને આશા હતી કે પાર્ટી વિધાન પરિષદ મોકલશે, પરંતુ નામની જાહેરાત સાથે જ તેમની આશા પર પાણી ફરી વળ્યું હતું.

વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાર્ટીના દિગ્ગજ નતેા એકનાથ ખડસે, વિનોદ તાવડે અને ચંદ્રશેખ બાવનકુલેની ટિકિટ કાપી હતી. જ્યારે પરલી બેઠક પરથી ફડણવીસ સરકારમાં મંત્રી રહેલી પંકજા મુંડેની હાર થઈ હતી. વિધાન પરિષદની 4 સીટ પર આ ચારેય ઉમેદવારોને ભાજપ ઉતારશે તેમ માનવામાં આવતું હતું.

ટિકિટની ફાળવણીને લઈ રાજ્યના કોર કમિટીની ભલામણ પર પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ વિચાર કરે છે. જોકે રાજકીય પંડિતોના કહેવા મુજબ ટિકિટ ફાળવણીમાં દેવેન્દ્ર ફડણવીસનું જ ચાલ્યું છે. જેના કારણે પાર્ટીના દિગ્ગજ નેતાઓ નારાજ થયા છે.

વિધાન પરિષદની ટિકિટ ન મળવાથી પંકજા મુંડે તો કંઈ ન બોલી પરંતુ એકનાથ ખડસેના સૂર બદલાઈ ગયા છે. તેમણે કહ્યું કે, જે લોકો પાર્ટી માટે પરસેવો પાડ્યો તેમને નજરઅંદાજ કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજી પાર્ટીમાં આવેલા લોકોને સન્માન આપવામાં આવી રહ્યું છે. પાર્ટીમાં અનેક લોકો એવા હતા જેઓ વિધાન પરિષદમાં જવાના હકદાર હતા પરંતુ તેમની અવગણના કરવામાં આવી છે.