નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસને લઇને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે દિલ્હીમાં કોરોના વાયરસના આંકડાઓ રજૂ કર્યા હતા. કેજરીવાલે કહ્યુ કે, અહી 75 ટકા કેસ ખૂબ ઓછા લક્ષણો વાળા છે. દિલ્હીમાં કોરોનાથી મોતને ભેટેલા દર્દીઓમાં 82 ટકા 50 વર્ષી ઉપરના છે.
કેજરીવાલે કહ્યુ કે, અમે જોઇ રહ્યા છીએ કે વૃદ્ધ લોકોના વધારે મોત થઇ રહ્યા છે. દિલ્હીમાં લગભગ 7000 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાંથી 1500 હોસ્પિટલમાં છે મોટાભાગના મામલામાં હલકા લક્ષણો છે. દિલ્હીમાં 91 દર્દીઓ આઇસીયૂમાં છે જ્યારે 27 દર્દીઓની સારવાર વેન્ટિલેટર પર ચાલી રહી છે. જ્યારે 2069 દર્દીઓ અત્યાર સુધી કોરોના વાયરસથી ઠીક થઇ ચૂક્યા છે. કેજરીવાલે કહ્યું કે, આ મુશ્કેલીના સમયમાં કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મુકીને લોકોની સારવાર કરી રહ્યા છે. એવામાં જો તેઓ કોરોનાનો શિકાર બને છે તો તેમની સારવાર કરવાની જવાબદારી અમારી છે.
કેજરીવાલે પ્રવાસી કામદારોના પલાયનને લઇન દુખ વ્યક્ત કર્યુ. તેમણે કહ્યુ કે હું ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર કામદારોના પલાયનની તસવીરો જોઉં છું. જેમાં કેટલાક કામદારો ચાલતા જઇ રહ્યા છે. આ જોઇને તકલીફ થાય છે. કેજરીવાલે કામદારોને અપીલ કરતા કહ્યુ કે, અમે તમારા ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે. તમે દિલ્હી છોડીને ન જાવ. પરંતુ તેમ છતાં જો તમે જવા માંગો છો તો તમારા માટે અમે ટ્રેનોની વ્યવસ્થા કરી છે. અમે બિહાર અને મધ્યપ્રદેશ ટ્રેન મોકલી છે. અમે તમારી જવાબદારી લઇએ છીએ બસ તમે ચાલતા ના જાવ.