Maldives Tourism Hits By Indian Tourists: માલદીવના મંત્રીઓ દ્વારા વડા પ્રધાન મોદી અને ભારત વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પછી, ભારતીય પ્રવાસીઓનો ગુસ્સો આગની જેમ ફાટી નીકળ્યો છે. સોશિયલ મીડિયાથી લઈને ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ સુધી દરેક જગ્યાએ ગુસ્સાની લહેર વધી રહી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં 10,500 હોટેલ બુકિંગ અને 5,520 પ્લેનની ટિકિટો કેન્સલ કરવામાં આવી છે.


આ આંકડા માલદીવના પ્રવાસન ઉદ્યોગ માટે મોટો ફટકો છે. નોંધનીય છે કે ગયા વર્ષે જ માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુએ ‘ઈન્ડિયા આઉટ’ નામનું અભિયાન શરૂ કર્યું હતું, જેનો હેતુ માલદીવમાં ભારતીય સૈન્યની હાજરી સામે વિરોધ કરવાનો હતો. જો કે, આ અભિયાનને ભારત અને ભારતીયોના મોટા વર્ગ દ્વારા નકારાત્મક રીતે લેવામાં આવ્યું હતું.


#BoycottMaldives ટ્રેન્ડ


લોકો કહી રહ્યા છે કે માલદીવ કરતાં લક્ષદ્વીપ પર્યટન માટે સારું છે. સોશિયલ મીડિયા પર લક્ષદ્વીપની સુંદર તસવીરો સતત પોસ્ટ થઈ રહી છે. અને #BoycottMaldives ટ્રેન્ડમાં છે. હજારો ભારતીયોએ માલદીવ જવાનો પ્લાન રદ્દ કર્યો છે.






ગુસ્સાથી ભરેલ ટિપ્પણીઓ અને સમીક્ષાઓનું પૂર


મંત્રીઓની વિવાદાસ્પદ ટિપ્પણીઓએ હવે આ નારાજગીને વધુ બળ આપ્યું છે. ઓનલાઈન ફોરમ અને ટ્રાવેલ બુકિંગ પ્લેટફોર્મ નિરાશા અને ગુસ્સાથી ભરેલી ટિપ્પણીઓ અને સમીક્ષાઓથી છલકાઈ ગયા છે. ઘણા ભારતીય પ્રવાસીઓએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે તેઓ ભવિષ્યમાં માલદીવ જવાનો ઇરાદો ધરાવતા નથી.


ભારતીય પ્રવાસીઓનો આ બહિષ્કાર માલદીવના પ્રવાસન ઉદ્યોગ માટે મોટો ફટકો છે. માલદીવની અર્થવ્યવસ્થાનો મહત્ત્વનો હિસ્સો પ્રવાસન પર નિર્ભર છે અને આવનારા સમયમાં તેની કેટલી અસર થશે તે જોવું રહ્યું.


દેશની સૌથી મોટી ટ્રાવેલ કંપની EaseMyTrip એ માલદીવ માટે તેની તમામ ફ્લાઈટ બુકિંગ કેન્સલ કરી દીધી છે. કંપનીના કો-ફાઉન્ડર અને સીઈઓ નિશાંત પિટ્ટીએ (Nishant Pitti)  પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે દેશની એકતામાં જોડાતાં EaseMyTrip એ માલદીવની તમામ ફ્લાઈટ બુકિંગ સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે.