Mallikarjun Kharge Reaction: લોકસભા ચૂંટણીના પરિણામો બાદ દિલ્હીમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે. આ દરમિયાન, ઈન્ડિયા એલાયન્સની બેઠક પૂરી થયા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ઈન્ડિયા એલાયન્સ યોગ્ય સમયની રાહ જોશે. તેમણે કહ્યું,અમે એકજૂથ થઈને પૂરી તાકાતથી ચૂંટણી લડ્યા. અમે મોદીના જનમતને નકારવાનો પ્રયાસ કરીશું. આ મોદીની નૈતિક અને રાજકીય હાર છે. અમે મોદી સામે લડતા રહીશું. આ જનાદેશ ભાજપની નીતિઓની વિરુદ્ધ છે. 


 






જનતાએ ભાજપને જડબાતોડ જવાબ આપ્યો


કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે, અમારી બેઠકમાં ગઠબંધન પક્ષના નેતાઓએ વર્તમાન રાજકીય પરિસ્થિતિ અને ઘણા સૂચનો લઈને આવ્યા હતા અને ચર્ચા કરી હતી. ઈન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષો દ્વારા મળેલા વિશાળ સમર્થન માટે ભારતની જનતાનો આભાર વ્યક્ત કરીએ છીએ. જનતાના જનાદેશે ભાજપ અને તેની નફરત અને ભ્રષ્ટાચારની રાજનીતિને જડબાતોડ જવાબ આપ્યો છે.


આ આદેશ લોકશાહીને બચાવવાનો છે


કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું, આ આદેશ ભારતના બંધારણની રક્ષા કરવા અને મોંઘવારી, બેરોજગારી, ક્રોની મૂડીવાદ સામે અને લોકશાહીને બચાવવાનો છે. ઈન્ડિયા ગઠબંધન મોદીની આગેવાની હેઠળના ભાજપના ફાસીવાદી શાસન સામે લડત ચાલુ રાખશે. મલ્લિકાર્જુન ખડગેના ઘરે આયોજિત બેઠકમાં તેજસ્વી યાદવ,રાઘવ ચઢ્ઢા,શરદ પવાર,ડી રાજા,સંજય રાઉત,અખિલેશ યાદવ, ચંપાઈ સોરેન, સુપ્રિયા સુલે, શરદ પવાર સહિત ઘણા નેતાઓ હાજર હતા.


નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ બનશે


તો બીજી તરફ બુધવારે (5, જૂન) એનડીએ ગઠબંધનની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપ સહિત 16 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની લોક કલ્યાણકારી નીતિઓને કારણે ભારતના 140 કરોડ નાગરિકોએ છેલ્લા 10 વર્ષમાં દેશને દરેક ક્ષેત્રે વિકાસ કરતો જોયો છે. ખૂબ લાંબા સમયગાળા પછી લગભગ 6 દાયકાઓ પછી ભારતના લોકોએ સતત ત્રીજી વખત સંપૂર્ણ બહુમતી સાથે મજબૂત નેતૃત્વને પસંદ કર્યું છે.