Congress President Election: મલ્લિકાર્જુન ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવ્યા બાદ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામું આપ્યા બાદ ખડગેએ કહ્યું હતું કે, તેમણે કોંગ્રેસના ‘એક નેતા એક પદ’ના નિયમ હેઠળ આ નિર્ણય લીધો છે. ખડગેએ પોતાનું રાજીનામું કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉદયપુરમાં આયોજિત કોંગ્રેસના ચિંતન શિબિરમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાર્ટીમાં કોઈ પણ વ્યક્તિ બે પદ નહીં સંભાળે. એટલે કે કોઈપણ નેતાએ બીજું પદ સંભાળતા પહેલા પોતાના વર્તમાન પદ પરથી રાજીનામું આપવું પડશે.
કોંગ્રેસના અધ્યક્ષ પદના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાં વિપક્ષના નેતા પદ પરથી રાજીનામું આપી દીધું છે. ખડગેએ શુક્રવારે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. તેમની સામે તિરુવંતપુરથી સાંસદ શશિ થરૂર અને ઝારખંડના નેતા કેએન ત્રિપાઠી છે. ચૂંટણી જીત્યા પહેલા જ ખડગેએ પદ છોડી દીધું હતું. તેમણે પોતાનું રાજીનામું કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે.
ખડગે કોંગ્રેસના આગામી અધ્યક્ષ બની શકે છે
કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગે પાર્ટીના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ બની શકે છે. ખડગેએ 30 સપ્ટેમ્બરે પોતાનું નામાંકન ભર્યું હતું, ત્યાર બાદ હવે ચૂંટણી 17 ઓક્ટોબરે થશે અને પરિણામ 19 ઓક્ટોબરે આવશે. ખડગેની ટક્કર કોંગ્રેસના નેતા શશિ થરૂર સામે થશે. જો કે ખડગેની પાછળ ગાંધી પરિવારનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, તેથી જ તેમની જીતની શક્યતા સૌથી વધુ છે. જ્યારે તેમણે નામાંકન કર્યું ત્યારે તેમની સાથે 30 પ્રસ્તાવકો હાજર હતા.
કોંગ્રેસ રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે કોને જોવા માંગે છે?
વાસ્તવમાં પાર્ટી સમક્ષ પડકાર એ છે કે દક્ષિણ અને ઉત્તર વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું. જો આપણે વરિષ્ઠતા પર નજર કરીએ તો પી ચિદમ્બરમ રાજ્યસભામાં સૌથી વરિષ્ઠ નેતા છે. તેમના પછી દિગ્વિજય સિંહનું નામ આવે છે. દિગ્વિજય સિંહ તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ પદના દાવેદાર હતા. જોકે, છેલ્લી ઘડીએ તેઓ પાછા હટી ગયા અને ખડગેને સમર્થન જાહેર કર્યું.
કોંગ્રેસની આ ચૂંટણીમાં ગાંધી પરિવાર મેદાનમાં નથી, પરંતુ સત્ય એ પણ છે કે ગાંધી પરિવારની પસંદગી કામ કરશે. નોમિનેશનના છેલ્લા દિવસે ગાંધી પરિવારના વિશ્વાસુ મલ્લિકાર્જુન ખડગેએ વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરી હતી. ગુરુવારે મોડી રાત સુધી સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી વચ્ચે બેઠક થઈ હતી.