Mallikarjun Kharge Speech: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોમવારે (29 જાન્યુઆરી) આશંકા વ્યક્ત કરી હતી કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી જીતશે તો આ દેશની છેલ્લી ચૂંટણી હશે. તેમણે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણી લોકો માટે લોકશાહીને બચાવવાની છેલ્લી તક છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, એક રેલીને સંબોધિત કરતી વખતે મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે "જો નરેન્દ્ર મોદી વધુ એક ચૂંટણી જીતી જશે તો દેશમાં સરમુખત્યારશાહી આવશે." તેઓ ઓડિશાના ભુવનેશ્વરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષે લોકોને બીજેપી અને આરએસએસથી દૂર રહેવા વિનંતી કરી અને આરોપ લગાવ્યો કે તેઓ ઝેર સમાન છે.
મલ્લિકાર્જુન ખડગેએ શું કહ્યું?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકોને સંબોધતા કહ્યું કે, આ છેલ્લી ચૂંટણી છે. જો મોદી ફરી આવશે તો ચૂંટણી નહીં થવા દે. દેશમાં સરમુખત્યારશાહી આવશે. તેમણે લોકોને કહ્યું હતું કે "માનો કે ના માનો, અમે હજી પણ જોઈ રહ્યા છીએ. એક દિવસ પહેલા અમારા એક નેતાને તેમના પક્ષમાં લઈ જવામાં આવ્યા હતા.
મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું- રશિયાની ચૂંટણી જેવી સ્થિતિ થશે
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે "ડરથી કોઇ મિત્રતા છોડી રહ્યું છે, કોઇ પાર્ટી છોડી રહ્યુ છે, કોઇ ગઠબંધન છોડી રહ્યું છે, જો આટલા ડરપોક લોકો રહ્યા તો શું દેશ બનશે, શું આ બંધારણ બચશે, શું આ લોકશાહી બચશે? તેથી મત આપવાની આ તમારી છેલ્લી તક છે. આ પછી કોઈ વોટ નહીં આપે કારણ કે રશિયામાં પુતિનની રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે તેવી જ રીતે થતી રહેશે.
કોંગ્રેસ અધ્યક્ષે નીતીશ કુમાર પર આ વાત કહી
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના એનડીએમાં પાછા ફરવા પર મલ્લિકાર્જુન ખડગેએ દાવો કર્યો હતો કે ચૂંટણી પર તેની કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યું કે એક વ્યક્તિ મહાગઠબંધન છોડવાથી અમે નબળા નહીં પડીએ. તેમણે કહ્યું કે અમે ભાજપને હરાવીશું.